નય...
- May 12
- 2 min read

નયોને સમ્યક્ સમજવા માટે નયોની વ્યાખ્યા બે જુદી રીતે છે – તે સમજવું અત્યંત જરૂરી છે.
1. ઘટના/વસ્તુ એક જ છે; જુદા જુદા નયો, જુદી જુદી રીતે વર્ણન કરે છે.
દૃષ્ટાંતોથી આ પદાર્થ સ્પષ્ટ થશે 🡺
a. કોઇ આત્મા વીતરાગ બન્યો – કેવળજ્ઞાન પામ્યો.
નિશ્ચય નય એમ કહેશે કે જીવની અંદર રહેલો - આવરાયેલો ગુણ પ્રગટ થયો.
વ્યવહાર નય એમ કહેશે કે જીવે એ ગુણ પ્રાપ્ત કર્યો.
b. કુંભાર માટીને ખૂંદી રહ્યો છે.
એવંભૂત નય કહેશે - ‘માટીને ખૂંદી રહ્યો છે.’
નૈગમ નય એ વાત તો સ્વીકારશે જ, સાથે એમ પણ કહેશે - ‘ઘડો બનાવી રહ્યો છે.’
c. મુહૂર્ત નીકળી ગયેલ દીક્ષાર્થી છે.
એવંભૂત નય તેને શ્રાવક જ કહેશે.
નૈગમ નય તેને શ્રાવક કહેવા સાથે (ભાવિ અપેક્ષાએ) તે શ્રમણ હોવાનું પણ સ્વીકારશે.
2. વાક્ય એક જ છે. જુદા જુદા નયો, જુદી જુદી રીતે અર્થઘટન કરે છે.
આ વાત પણ દૃષ્ટાંતોથી સ્પષ્ટ થશે 🡺
a. ‘કુંભાર ઘડો બનાવે છે.’ આ વાક્ય છે.
એવંભૂત નયથી તેનો અર્થ થશે – અત્યારે, ઘડો બનવાની અંતિમ ક્ષણ છે. એ ઘટના જ આ વાક્યનો અર્થ છે.
નૈગમ નયથી તેનો અર્થ થશે – ઘડો બનવાના ઉદ્દેશ્યથી કોઇક પ્રવૃત્તિ થઇ રહી છે – માટી લાવવી, ખૂંદવી વગેરે...
આમાંથી કોઇપણ ઘટના, (અથવા એ સમગ્ર કાળખંડમાં બનતી બધી જ ઘટનાઓ) એ આ વાક્યનો અર્થ છે.
b. ‘આ સાધુ છે.’ આ વાક્ય છે.
એવંભૂત નયથી તેનો અર્થ થશે – આ ચારિત્રપરિણામથી યુક્ત છે.
નૈગમ નયથી તેના ઘણાં અર્થ થઇ શકશે - ‘આ ચારિત્રાચારથી યુક્ત છે. (ચારિત્રપરિણામ કદાચ ન પણ હોય...)
આ સંયમીના વેશથી યુક્ત છે. (ચારિત્રાચાર પણ કદાચ ન હોય...)’
શાસ્ત્રમાં આવતી નયોની વાતોને સમ્યક્ સમજવા માટે, આ બે વ્યાખ્યાઓનો ભેદ સ્પષ્ટપણે સમજીને, કઇ વ્યાખ્યા પ્રસ્તુત છે – એ સમજવું અત્યંત જરુરી છે.
વાક્યનું અર્થઘટન કરનારા નયવાક્યને, ઘટનાનું વર્ણન કરનારો નય માની લેવાય, તો મોટો ગોટાળો સર્જાઇ શકે.
જેમ કે ‘નિશ્ચયથી આત્મા શુદ્ધ જ છે’ – આ નયવાક્ય, શબ્દનું અર્થઘટન કરનાર છે. ‘આત્મા’ શબ્દનો નિશ્ચય નયથી અર્થ – શુદ્ધ આત્મા જ છે... પુદ્ગલમિશ્રિત આત્માને નિશ્ચય નયથી આત્મા ન કહેવાય – એ તેનો અર્થ છે.
અર્થાત્, આ વાક્ય, શુદ્ધ આત્મામાં જ નિશ્ચયથી આત્મપદવાચ્યત્વનું વિધાન કરે છે; આત્મપદવાચ્યમાં નિશ્ચયથી શુદ્ધત્વનું નહીં.
તેને ઘટનાનું-વસ્તુનું વર્ણન કરનારો નય માનીને એમ અર્થ કરાય કે અત્યારે આપણો આત્મા નિશ્ચયથી શુદ્ધ જ છે, તો તે ભ્રમ જ છે.
નિશ્ચયથી શુદ્ધતા તો તેનું કાર્ય ઉપલબ્ધ થાય, ત્યારે જ કહી શકાય; કારણકે નિશ્ચયનય કુર્વદ્રૂપને જ કારણ માને છે. અત્યારે શુદ્ધતાનું કાર્ય વિદ્યમાન ન હોવાથી નિશ્ચયથી આપણો આત્મા શુદ્ધ છે જ નહીં.
વાક્યનું અર્થઘટન કરનારા નયવાક્યને, ઘટનાનું વર્ણન કરનારું માની લેવાથી ગોટાળો સર્જાયો છે – એકાંત માન્યતાવાળા કુપંથોની ઉત્પત્તિ થઇ છે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments