ઉત્સર્ગ-અપવાદ...
- Jun 22
- 5 min read

જિનશાસનની અપ્રતિમ વિશેષતાઓમાં એક છે 🡺 જિનશાસનમાં માર્ગના બે પ્રકાર બતાવ્યા છે – ઉત્સર્ગ અને અપવાદ.
કોઇ વિશિષ્ટ કારણ ન હોય, ત્યારે આચરવાના માર્ગને ઉત્સર્ગ કહેવાય છે.
વિશિષ્ટ કારણ આવી પડે, ત્યારે આચરવાના માર્ગને અપવાદ કહેવાય છે.
દૃષ્ટાંતોથી આ પદાર્થ સ્પષ્ટ થશે.
સાધુ-સાધ્વી ભગવંતોના આચારોમાં ઉત્સર્ગ-અપવાદ સમજીએ 🡺
1. રોજ એકાસણું કરવું – એક જ ટંક ગોચરી વાપરવી - તે ઉત્સર્ગ છે. બિમારી હોય, વૃદ્ધાવસ્થા હોય, વિહાર-પ્રવચન-
વાચના વગેરેનો સખત પરિશ્રમ હોય, તપનું પારણું હોય, કોમળ શરીર વગેરેના કારણે અસહિષ્ણુતા હોય... એકાસણું કરવા જતાં સ્વાધ્યાય-વૈયાવચ્ચ વગેરે વધુ મહત્ત્વની આરાધનાઓની હાનિ થતી હોય, દુર્ધ્યાન થતું હોય... તો બે-ત્રણ (કે વધુ) ટંક વાપરવું - તે અપવાદ છે.
2. ઉઘાડા પગે વિહાર કરવો - તે ઉત્સર્ગ છે.
રસ્તો કાંકરાવાળો હોવાથી પગ છોલાઇ જતાં ચાલવું અશક્ય થઇ જતું હોય, પ્રકૃતિની વિષમતાના કારણે પગમાં
ફોલ્લા પડી જતાં ચાલવું અશક્ય થઇ જતું હોય, ડામર પર ચાલવાથી આંખોનું તેજ ઘટતું હોય, ઉઘાડા પગે રસ્તાની બાજુ પર ચાલવું અશક્ય હોવાથી વચ્ચે ચાલવા જતાં અકસ્માતની સંભાવના ઊભી થતી હોય... આવા બધા કારણે
પગમાં મોજાં (પગરખાં) પહેરીને ચાલવું, તે અપવાદ છે.
3. દિવસના ત્રીજા પહોરે (બપોરે ૧૨.૩૦ થી ૪.૦૦ સુધીમાં) જ વિહાર કરવો - તે ઉત્સર્ગ છે.
બપોરના ગરમી લાગવાથી પિત્તજન્ય રોગો ઊભા થતા હોય, ગોચરી વાપર્યા પછી ચાલી ન શકાતું હોય... વગેરે
કારણો હોવાથી સવારે વિહાર કરવો, તે અપવાદ છે.
4. ગૃહસ્થોએ તેમના માટે જ બનાવેલો આહાર વહોરવો - તે ઉત્સર્ગ છે. બિમારીમાં પથ્ય આહાર તે રીતે મળતો ન હોય,
વિહારમાં જૈનોના-ઉચ્ચ વર્ણના ઘરો ન હોવાથી તેવો આહાર મળતો ન હોય, ઘરોમાં વહોરવા જઇ ન શકાય તેવો
વરસાદ (કે લોક-ડાઉન !) હોય... વગેરે કારણે સાધુ માટે બનાવેલો આહાર વહોરવો, તે અપવાદ છે.
5. વીજળીથી ચાલતાં સાધનોનો ઉપયોગ ન કરવો – ન કરાવવો - તે ઉત્સર્ગ છે.
મકાનમાં ઘોર અંધારું હોવાથી નબળી આંખવાળા વૃદ્ધો અથડાઇ જાય – પડી જાય, તેવી સંભાવના હોય, તો
ગૃહસ્થોનું ધ્યાન દોરીને અજવાળાની વ્યવસ્થા કરાવવી... અચાનક સાધુ બિમાર પડી જતાં વૈદ્ય/ડૉક્ટરને બોલવવા
માટે ગૃહસ્થો દ્વારા સંદેશો અપાવવો... આ બધામાં વીજળીથી ચાલતાં સાધનોનો ઉપયોગ કરાવવો, તે અપવાદ છે.
શ્રાવકોના આચારમાં ઉત્સર્ગ-અપવાદ વિચારીએ 🡺
1. મધ્યાહ્નકાળે જિનપૂજા કરવી - તે ઉત્સર્ગ છે.
નોકરી-ધંધો, નિશાળ વગેરે કારણે વહેલી સવારે જિનપૂજા કરવી... તીર્થમાં સાંજે પહોંચાવાથી સાંજે જિનપૂજા
કરવી... વગેરે અપવાદ છે.
2. ગોદોહિકા આસને (વાંદણાં આપતા વખતની મુદ્રા - ઊભડક પગે) વ્યાખ્યાન સાંભળવું, તે ઉત્સર્ગ છે.
એક કલાક તે રીતે બેસવાનું શારીરિક સામર્થ્ય ન હોવાથી, તેવી ટેવ ન હોવાથી બેસી ન શકાય, તો પલાંઠી વાળીને
બેસીને સાંભળવું... ઘૂંટણ કે કમરની તકલીફ હોવાથી નીચે બેસી ન શકાય, તો પાટલી કે ખુરશી પર બેસીને સાંભળવું - તે અપવાદ છે.
3. પ્રતિક્રમણ વગેરે સર્વ ક્રિયાઓ ઊભા-ઊભા જ કરવી - તે ઉત્સર્ગ છે.
વૃદ્ધાવસ્થા, બિમારી, તપ વગેરે કારણે તેવું શારીરિક સામર્થ્ય ન હોય, તો બેઠાં બેઠાં (યાવત્ સૂતાં સૂતાં પણ) ક્રિયા
કરવી - તે અપવાદ છે.
4. છ’રી પાળીને તીર્થયાત્રા કરવી - તે ઉત્સર્ગ છે.
તેવી સમયની અનુકૂળતા, શારીરિક સામર્થ્ય વગેરે ન હોવાના કારણે વાહનનો ઉપયોગ કરીને તીર્થયાત્રા કરવી - તે
અપવાદ છે.
5. સૂર્યાસ્ત સમયે વંદિત્તુ આવે, તે રીતે દેવસિઅ પ્રતિક્રમણ કરવું - તે ઉત્સર્ગ છે.
નોકરી-ધંધો, નિશાળ, ગૃહકાર્ય વગેરે કારણે પોતાની તેવી અનુકૂળતા ન હોય... કે ગુરુ ભગવંતની નિશ્રામાં/સંઘમાં
સામૂહિક પ્રતિક્રમણ મોડું જ બેસતું હોય, તો મોડું પ્રતિક્રમણ કરવું... પ્રવાસે નીકળવાનું હોવાથી બપોરે ૩-૪ વાગે
વહેલું પ્રતિક્રમણ કરવું, તે અપવાદ છે.
આ રીતના ઢગલાબંધ દૃષ્ટાંતો આપી શકાય. પદાર્થને સમજવા માટે આટલા પૂરતા છે.
તમે જોયું હશે કે ઉત્સર્ગમાં જે કરવાનું હોય છે, તેનાથી બિલકુલ ઊંધું અપવાદમાં કરવાનું હોય છે. છતાં, એ બંને ‘માર્ગ’ જ છે ! એ બંને મોક્ષ રૂપી મંઝિલે પહોંચાડનાર જ બને છે, સુખની પ્રાપ્તિ જ કરાવે છે ! આવું જિનશાસન માને છે, કહે છે, આચરે છે !
છે ને જિનશાસનની આ અદ્ભુત વિશિષ્ટતા ? Complete Flexibility, No Rigidity… ક્યાંય જડતા નહીં, પરિસ્થિતિ અનુસારે માર્ગ બદલવાની પૂર્ણ તૈયારી... !
ખૂબ સુંદર દૃષ્ટાંતથી શાસ્ત્રોમાં આ વાત સમજાવી છે...
પિત્તનો તાવ આવ્યો હોય, તો ઘી-સાકર ખવડાવવાથી નાશ પામે, તેના માટે ઘી-સાકર એ દવા છે.
કફનો તાવ આવ્યો હોય, તો ઘી-સાકર ખવડાવવાથી વધે. તેના માટે એ અપથ્ય છે. સૂંઠ-મરી વગેરે તેની દવા છે.
એટલે રોગ અનુસારે, વ્યક્તિની પ્રકૃતિ અનુસારે દવા બદલાય છે. આયુર્વેદમાં તો રોગ કેટલો જૂનો છે ? તેના આધારે પણ દવા બદલાય છે.
મહત્ત્વ એનું છે કે રોગનો નાશ થવો જોઇએ. જે જેના જે રોગનો નાશ કરે, તેના તે રોગ માટે તે દવા છે. ‘ઘી’ એ જ દવા કે ‘સૂંઠ’ એ જ દવા, એવો નિયમ નથી.
એ જ રીતે, જે માર્ગે ચાલવાથી જે વ્યક્તિના રાગ-દ્વેષાદિ દોષો ઘટે-નાશ પામે, તે તેના માટે ‘માર્ગ’ છે. બે વ્યક્તિ માટે માર્ગ જુદા-જુદા પણ હોઇ શકે, દેખીતી રીતે સર્વથા વિરુદ્ધ પણ હોઇ શકે... એક જ વ્યક્તિ માટે જુદા જુદા કાળે – જુદા જુદા સંયોગોમાં પણ માર્ગ જુદા જુદા હોઇ શકે.
આવી Flexibility દુનિયાના કોઇ ધર્મમાં નથી, માત્ર ને માત્ર જિનશાસનમાં છે.
અહો ! જિનશાસનમ્ !
ઉત્સર્ગ-અપવાદ વિશે કેટલુંક જાણી લઇએ.
1. કોના માટે કયો માર્ગ સાચો/ઉચિત છે ? તેનો નિર્ણય જ્ઞાની (ગીતાર્થ) ગુરુ ભગવંતો જ કરી શકે. શાસ્ત્રના અભ્યાસ અને અનુભવના આધારે તેમનામાં તેવું સામર્થ્ય હોય છે.
અજ્ઞાનીઓ તેવો નિર્ણય કરવા જાય, તો થાપ ખાઇ જાય – ઉન્માર્ગને માર્ગ સમજી બેસે, માર્ગભ્રષ્ટ થાય... તેવી પૂરી સંભાવના છે.
2. વિશિષ્ટ કારણ હોય ત્યારે જે ‘અપવાદ’ માર્ગ બને છે, તે જ તેવા કારણ વિના સુખશીલતાથી, પ્રમાદથી, રાગ-દ્વેષથી આચરાય, તો ઉન્માર્ગ બને છે, અનાચાર બને છે.
અર્થાત્, અપવાદ અને ઉન્માર્ગનું બાહ્ય સ્વરૂપ સરખું હોય છે,
યોગ્ય કારણ હોય,તો અપવાદ કહેવાય છે.
યોગ્ય કારણ ન હોય, તો ઉન્માર્ગ કહેવાય છે.
જેમ કે, શારીરિક સામર્થ્ય ન હોવાથી બેઠાં બેઠાં ક્રિયા કરવી - તે અપવાદ છે. આળસથી બેઠાં બેઠાં ક્રિયા કરવી - તે ઉન્માર્ગ-અતિચાર છે.
3. અપવાદના અનેક પ્રકારો હોઇ શકે છે. કયા સંયોગોમાં કેવો અપવાદ આચરવો, તેનો નિર્ણય કરવાનો અધિકાર પણ જ્ઞાનીને જ હોય છે.
જેમ કે, એકાસણું ન કરી શકાય તેમ હોય, તો બેસણું કરવું ? કે નવકારશી ? તે નિર્ણય જ્ઞાની જ કરે.
4. જેટલી નિર્જરા ઉત્સર્ગના આચરણથી થાય, તેટલી જ નિર્જરા યોગ્ય કારણે અપવાદ આચરવામાં થઇ શકે છે.
અપવાદ આચરતાં આચરતાં વીતરાગતા-કેવળજ્ઞાન પામ્યા હોય, તેવા ઢગલાબંધ દૃષ્ટાંતો શાસ્ત્રોમાં છે – જેમ કે નદી ઉતરતાં અર્ણિકાપુત્ર આચાર્યને કેવળજ્ઞાન થયું...
એટલે ઉત્સર્ગ એ ‘ઊંચો’ માર્ગ છે, અપવાદ એ ‘નીચો’ માર્ગ છે - તેવું નથી. બંને સમાન સામર્થ્ય ધરાવતા માર્ગ છે.
5. જ્યારે અપવાદ આચરવાનું કારણ આવ્યું હોય, ત્યારે પણ જો કોઈ ઉત્સર્ગમાર્ગ પકડી રાખે, તો તે વિરાધક થાય,
તેવી પણ સંભાવના છે. તેથી તેને પણ પ્રાયશ્ચિત્ત આવે છે.
આ પદાર્થ થોડો વિસ્તારથી સમજીએ.
અપવાદ આચરવાના કારણોના સ્થૂળથી બે વિભાગ કરી શકાય.
a. પોતાના શારીરિક સામર્થ્ય, પ્રતિકૂળ સંયોગો વગેરે. જેમ કે એકાસણું કરવાની શક્તિ ન હોવી.
આવા સંયોગોમાં ઉત્સર્ગ પકડી રાખે, તો
I. સત્ત્વશાળી જીવ આરાધક થાય. જેમ કે સ્થૂલિભદ્રજીના ભાઈ શ્રીયક મુનિએ શક્તિની ઉપરવટ જઇને તપ કર્યો, છતાં આરાધક થયા.
II. સત્ત્વ ન હોય, તો દુર્ધ્યાન થવાથી વિરાધક પણ થાય.
b. શાસનના કાર્યો આવી પડે, તે પણ અપવાદનું કારણ છે. તેવા અવસરે ઉત્સર્ગ પકડી રાખે, તે જડતા કહેવાય, તે
વિરાધક જ થાય.
જેમ કે સાધુને અકસ્માત થતાં વાહનમાં શહેરમાં લઇ જવા જરૂરી બને, ત્યારે ‘વાહનનો ઉપયોગ સાધુએ ન જ
કરાય’ તેવો ઉત્સર્ગ કોઇ વ્યક્તિ પકડી રાખે, તો વિરાધક થાય, સાધુના કાળધર્મનું પણ કારણ બની શકે.
સારાંશ એ છે કે 🡺
1. સામાન્ય સંયોગોમાં ઉત્સર્ગ માર્ગે આરાધના કરવી.
2. પરિસ્થિતિ પ્રતિકૂળ બને, તો સત્ત્વ વધારીને પણ ઉત્સર્ગ માર્ગ પકડી રાખવા પ્રયત્ન કરવો.
તે અશક્ય બને, તો ગીતાર્થ ગુરુ ભગવંતનું માર્ગદર્શન લઇને અપવાદ આચરવો. (જાતે નિર્ણય ન કરવો.)
3. શાસનના કાર્ય માટે અપવાદ આચરવાનો આવે, ત્યારે તેને માર્ગ સમજીને આચરવો, ખચકાવું નહીં, જડ બનીને
ઉત્સર્ગનો આગ્રહ ન રાખવો.
4. યોગ્ય કારણે અપવાદ આચરનારાને ઉન્માર્ગી તો ન જ માનવા, ‘નીચા’ પણ ન માનવા. તેમની નિંદા કદાપિ ન કરવી.
5. ‘આમ જ કરાય’ કે ‘આમ ન જ કરાય’ તેવો એકાંત કદી પકડવો નહીં. એવો એકાંતવાદ, તે મિથ્યાત્વ છે.
શાસ્ત્રકારો કહે છે – બ્રહ્મચર્ય સિવાયની સર્વ આરાધાઓમાં ઉત્સર્ગ-અપવાદ છે.
બ્રહ્મચર્યપાલનમાં અપવાદ નથી, કારણકે અબ્રહ્મના સેવનથી આત્માના રાગાદિ દોષો વધે જ છે, ઘટતા નથી.
અહો ! શ્રામણ્યમ્ ! ... અહો ! જિનશાસનમ્ !
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for E-magazine Faithbook.

Comments