top of page

મતાંતરોનું કારણ

  • Writer: Shraman Books
    Shraman Books
  • Nov 17
  • 2 min read
ree

બે ગીતાર્થના અભિપ્રાયમાં ભેદ કેમ પડે ?

કારણકે શાસ્ત્રોમાં દિશાસૂચન-માર્ગદર્શન હોય છે, બધું જ લખ્યું નથી હોતું. જે લખ્યું હોય, તેના ઉપરથી વધુ વિચારવાની શક્તિ સહુની જુદી-જુદી હોય, તેથી અભિપ્રાયનો ભેદ પડે.


આ વાત દૃષ્ટાંતથી સમજીએ. સાધુએ કપડાંનો કાપ ક્યારે કાઢવાનો ?

તો શાસ્ત્ર કહે છે – વર્ષમાં એક જ વાર, ચોમાસાં પહેલાં.

હવે અમે અત્યારે ૧૦-૧૫ દિવસે કાપ કાઢતા હોઇએ છીએ. તેનું કારણ શું ?

કેટલાક ગીતાર્થોને લાગ્યું કે શાસ્ત્રની વાત એ કાળની છે જયારે લોકો ગામડામાં રહેતા હતા. રસ્તાઓ ધૂળિયા હતા. લોકો ખેતી કરનારા હતા. સહુનાં કપડાં મેલાં જ રહેતા હતા.

સાધુનાં મેલાં કપડાં જોઇને કોઇને જુગુપ્સા નહોતી થતી. તો વારંવાર કાપ કાઢવાની જરૂર નહોતી. વારંવાર કાપ કાઢવામાં વિભૂષાનો દોષ છે. ચોખ્ખાં કપડાં, બીજાને આકર્ષવાનું કારણ બને, તેમાં બ્રહ્મચર્યને જોખમ છે. કાપ કાઢવામાં પાણીની વિરાધના છે, કાપનું પાણી પરઠવવામાં પણ વિરાધના છે.

પણ હવે કાળ બદલાયો. શહેરીકરણ થયું. તમે શહેરોમાં આવ્યા. ગામડામાં વસતિ જ ન રહી. સંયમપાલન માટે, તમને ધર્મ પમાડવા માટે, શાસનની અવિચ્છિન્ન પરંપરા ચલાવવા માટે... અમે પણ શહેરમાં રહેતા થયા. અમારી આજુબાજુ રહેનારા તમે બધા ચોખ્ખાંચણાક કપડાં પહેરો છો. દિવસમાં બે વાર બદલો છો.

એવા લોકોને અમારાં અત્યંત મેલાં કપડાં જોઇને કે તેમાંથી આવતી દુર્ગંધથી જુગુપ્સા થાય... અમારી પાસે આવવું ન ગમે... અમે એમના ઘરે ગોચરી જઇએ તો ન ગમે... (આવો મને અમદાવાદમાં અનુભવ પણ થયો છે.) એટલે હવે કપડાં અત્યંત મેલાં ન રાખવા જોઇએ. તેથી ૧૦-૧૫ દિવસે કાપ કાઢીએ છીએ. વિહારમાં જલદી કાઢવો પડે. ગોચરી જનાર કે વ્યાખ્યાન આપનારને પસીનો વધુ થાય, તો વારંવાર પણ કાઢવો પડે. 

પણ હજુ કેટલાક ગીતાર્થોને એવું લાગે છે કે આવું કરવાની જરૂર નથી. ૪-૬ મહિને કાપ કાઢીએ તો પણ વાંધો નથી આવતો. શા માટે વિરાધના કરવી ? એટલે તેઓ નથી પણ કાઢતા.

બોલો, બેમાંથી કોણ સાચું ?

સભા : બંને.

મારે એ જ કહેવું છે – એ જ સ્યાદ્વાદ છે. બંનેની પોતપોતાની વિચારધારા છે. બંને શાસ્ત્રને અનુસરતી છે. કઇ વાતને વજન વધુ આપવું ? તેમાં જ ભેદ છે.

તેમાંથી, ‘આ સારા - આ ખરાબ’ એવો નિર્ણય આપણે કરવાની જરૂર નથી.

મેલાં કપડાં પહેરનારા ચુસ્ત સંયમી, વારંવાર કાપ કાઢતા દેખાય, તે ઢીલા... એવું માની લેવાની જરૂર નથી. પોતાના ગીતાર્થ ગુરુના અભિપ્રાય મુજબ વારંવાર કાપ કાઢે, તેમાં કોઇ દોષ નથી. તેઓ સંયમની બીજી બધી બાબતોમાં અત્યંત ચુસ્ત હોઇ શકે છે, હોય પણ છે.


Extract from Book Syadvad written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


સ્યાદ્વાદ (Syadvad)
₹40.00₹10.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page