top of page

શાસન-પ્રભાવના...

  • Jan 28
  • 5 min read
What is true Shasan-Prabhavna? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains why real propagation means connecting souls to the path of destroying attachment and aversion, not just organizing grand events


શાસન-પ્રભાવના કોને માનવી ?

‘શાસન’ શબ્દનો અર્થ, પ્રભુએ બતાવેલ રાગ-દ્વેષના નાશનો (અને તેના દ્વારા શાશ્વત સુખની પ્રાપ્તિનો) માર્ગ છે.

એ માર્ગ કોઇને સમજાવવો, ગળે ઊતારવો, ગમાડવો.. તે વાસ્તવિક શાસન-પ્રભાવના છે. કારણકે તો જ તે જીવ તે માર્ગ પર ચાલીને પોતાના દોષોનો નાશ કરશે, શાશ્વત સુખને પામશે.

અહીં નામનું મહત્વ નથી.. એ માર્ગને કદાચ ‘જૈન ધર્મ’ કે ‘જિનશાસન’ નામ ન અપાયું હોય, તો પણ એ માર્ગ પમાડવો – તે શાસન પ્રભાવના છે જ.


અલબત્ત, વાસ્તવિક સંપૂર્ણ માર્ગ જિનશાસનમાં જ છે. (અથવા એમ કહેવું જોઇએ કે માર્ગ એ જ શાસન છે.) દરેકે દરેક પરિસ્થિતિ (દ્રવ્ય-ક્ષેત્રાદિ) માં માર્ગ શું ? એ માત્ર જિનશાસન જ બતાવે છે.

હકીકતમાં દોષોની સમ્યગ્ ઓળખ પણ જિનશાસન સિવાય ક્યાંય નથી, તો તેના નાશનો માર્ગ તો ક્યાંથી હોય ?

એટલે જિનશાસન પામ્યા વિના, માર્ગનું સંપૂર્ણ જ્ઞાન સંભવિત નથી. (કોઇને આંતરિક ક્ષયોપશમથી થઇ જાય, તો તે ભાવથી જિનશાસન પામેલો જ ગણાશે.)

પણ, કુળ-પરંપરાથી અન્ય ધર્મને અનુસરનારાને, નામથી જૈન ધર્મ પમાડવો દુષ્કર હોય; ત્યારે નામ આપ્યા વિના માર્ગ પમાડવો – તે પણ શાસન-પ્રભાવના છે.


એટલે જ, તેમને આવો ઉપદેશ આપવાનું વિધાન છે 🡺

सर्वान् देवान् नमस्यन्ति, नैकान् देवान् समाश्रिताः ।

जितेन्द्रिया जितक्रोधाः, दुर्गाण्यतितरन्ति ते ॥

વિષય-કષાયને જીતનારા મોક્ષ પામે છે – એ માર્ગનો જ ઉપદેશ છે.

અને નામથી જૈન ધર્મ – જિનશાસન પમાડવા છતાં, (પરંપરાએ પણ) પ્રભુએ બતાવેલ વાસ્તવિક માર્ગ જો ન પમાડાય, તો વાસ્તવિક શાસન-પ્રભાવના નથી.

સાક્ષાત્ માર્ગ ન પમાડાય, પણ ભવિષ્યમાં જે માર્ગ પમાડે, એવી વ્યક્તિઓ-સ્થાનો-ક્રિયાઓ વગેરે સામગ્રી સાથે કાયમી રીતે જોડી દેવા – તે ઉપચરિત શાસન-પ્રભાવના છે.

આવું જોડાણ એ (પ્રાયઃ) ભવિષ્યમાં માર્ગ સાથે જોડાણનું કારણ બને છે. એટલે કારણમાં કાર્યના ઉપચારથી એને શાસન-પ્રભાવના કહી શકાય છે.

જેમ કે, નાની ઉંમરના બાળકને પાઠશાળા સાથે જોડી દેવો.. સૂત્ર વગેરે ગોખાવી દેવા.. પ્રતિક્રમણાદિ ક્રિયા સાથે જોડી દેવો.. ગુરુ ભગવંત સાથે જોડી દેવો..


જેની માર્ગ સમજવાની ક્ષમતા આજે છે જ નહીં, તેને માર્ગ સાથે જોડી શકાતો નથી. ત્યારે, ભવિષ્યમાં તેવી ક્ષમતા આવે, ત્યારે તેને માર્ગ સાથે જોડી આપે – તેવી વ્યક્તિઓ-સ્થાનો-ક્રિયાઓ વગેરે સામગ્રી સાથે જ જોડવો પડે. તે રીતે જ તેનું માર્ગ સાથે જોડાણ કરવામાં નિમિત્ત બની શકાય.

માર્ગ સમજવાની ક્ષમતાનો અભાવ, ઉંમરના કારણે હોય; તેમ ક્ષયોપશમના અભાવના કારણે પણ હોય. (ઉંમર પણ, ક્ષયોપશમના અભાવના કારણે જ ક્ષમતાના અભાવમાં કારણ બને છે.)

ક્યારેક ક્ષયોપશમ રૂપ ક્ષમતા હોવા છતાં, કેટલાક કદાગ્રહ પણ માર્ગ સમજવા નથી દેતાં. ત્યારે પણ, તેના કદાગ્રહનું નિવર્તન કરીને તેને માર્ગ સાથે જોડી શકે, તેવી વ્યક્તિઓ વગેરે સામગ્રી સાથે જોડીને જ શાસન પ્રભાવના થઇ શકે.

મિથ્યાત્વીને પણ દીક્ષા અપાય છે, તે આ રીતે જ સંગત થાય છે. તેઓ ગુરુપારતંત્ર્યના પ્રભાવે મોક્ષ પામ્યા – એવું શાસ્ત્રવચન પણ આ રીતે જ સંગત થાય છે.

આજે મિથ્યાત્વી છે – માર્ગ પામ્યા નથી. પણ ગુરુ સાથે (અને સંયમની ક્રિયાઓ સાથે) જોડી દેવાય છે, જે ભવિષ્યમાં તેને માર્ગ પમાડે છે.


અહીં ધ્યાનમાં રાખવાનું છે કે આ શાસન-પ્રભાવના ઉપચરિત જ છે. માર્ગ સાથેનું જોડાણ, એ જ વાસ્તવિક શાસન-પ્રભાવના છે. તેમાં પરિણમે, તો જ વ્યક્તિ વગેરે સામગ્રી સાથેનું જોડાણ સાર્થક બને.

માર્ગ સાથે જોડાણ કરાવનાર વ્યક્તિઓ-સ્થાનો-ક્રિયાઓ વગેરે સામગ્રી સાથે (કાયમી જોડાણ નહીં, પણ) એક વાર સંપર્ક કરાવવો – તે પણ ઉપચરિત શાસન-પ્રભાવના છે. એક વારનો સંપર્ક, કાયમી જોડાણમાં પરિણમી શકે.. અને કાયમી જોડાણ, માર્ગ સાથેના જોડાણમાં પરિણમી શકે.. આમ કારણના કારણમાં કાર્યના ઉપચારથી આ શાસન-પ્રભાવના છે.


એક વારના સંપર્ક વિના કાયમી જોડાણ કદી સંભવિત બને નહીં. એટલે, કાયમી જોડાણને જો શાસન-પ્રભાવના માનીએ, તો એક વારના સંપર્કને શાસન-પ્રભાવનાનું કારણ માનવું જ પડે.

પણ, કાયમી જોડાણ, મહદંશે માર્ગ સાથેના જોડાણમાં પરિણમે છે.. એક વારનો સંપર્ક, કાયમી જોડાણમાં મહદંશે પરિણમે – એવું કહી શકાતું નથી.

એટલે, એક વારના સંપર્કને શાસન-પ્રભાવના કહેવી, તે અત્યંત સ્થૂળ નય છે.

શાસન-પ્રભાવનાના આ પદાર્થને સમજ્યા પછી, વર્તમાનમાં જેને શાસન-પ્રભાવના માની લેવાય છે – કહેવાય છે, તેમાં ખરેખર શાસન-પ્રભાવના છે ? તે વિચારવા જેવું બને છે.

એક વાર ધર્મસ્થાનાદિ સુધી લાવ્યા પછી, પાત્રતાના અભાવે કે ભવિતવ્યતાવશાત્ જીવ કાયમ માટે ન જોડાય.. માર્ગને ન પામે; તો તે આપણા હાથની વાત નથી.

પણ, આપણું લક્ષ્ય તો તેવું હોવું જ જોઇએ, કે આપણે તેને કાયમ માટે જોડવો છે, અને છેવટે માર્ગ પમાડવો છે. આપણું તેવું લક્ષ્ય જ ન હોય, તેવો પુરુષાર્થ જ ન હોય, એક વાર જોડવાથી જ શાસન-પ્રભાવના થઇ ગઇ – એમ આપણે માની લઇએ, તો પછી તે જીવ કાયમ માટે જોડાય – તે લગભગ અસંભવ બને.. માર્ગ સાથે જોડાવાનો તો પ્રશ્ન જ ન રહે.


જ્યાં વાસ્તવિક શાસન-પ્રભાવના થવાનો પ્રાયઃ સંભવ જ ન હોય, તેને ઉપચરિત પણ શાસન-પ્રભાવના શી રીતે કહેવાય ? ભાવમાં પરિણમવાનો સંભવ જ ન ધરાવતી ક્રિયા, અપ્રધાન ગણાય છે. શુદ્ધ વ્યવહાર નય પણ તેને સ્વીકારતો નથી. (માત્ર સ્વરૂપ હોવાથી અશુદ્ધ વ્યવહાર નય સ્વીકારે છે.)


વર્તમાનમાં મોટા ભાગની કહેવાતી શાસન-પ્રભાવનાઓ, કેવી છે ? એ ગંભીરતાથી વિચારવું જરૂરી છે.

પ્રાચીન દેરાસરોની કોતરણી જોવા હજારો (કે લાખો) જૈનેતરો આવે છે.. પણ, તેઓ કાયમ માટે જોડાય કે માર્ગ પામે – તેવી કોઇ વ્યવસ્થા છે ખરા ? આયોજન છે ખરા? સામગ્રી છે ખરા ? ન હોય, તો કોઇ શી રીતે માર્ગ પામે ?

(કોઇ પોતાની ભવિતવ્યતાવશાત્ પામી જાય, તો તેનો જશ આપણે ન લેવાય.) અને તો તેને ઉપચરિત પણ શાસન-પ્રભાવના શી રીતે કહેવાય ?

આ એક દૃષ્ટાંત છે. શાસન-પ્રભાવનાનાં કહેવાતાં મોટા ભાગનાં કાર્યોની હાલત એવી નથી ને ? એ નિરીક્ષણ જરૂરી છે.

એક વાર જોડવાનાં માધ્યમ ઘણાં હોઇ શકે 🡺

A. ચમત્કૃત કરી દે, તેવા સાધના-ગુણ.

B. ચમત્કૃત કરી દે, તેવી શક્તિ.

C. ઇન્દ્રિયનાં અનુકૂળ વિષયો.

તામલિ તાપસ મહાત્માની ઇર્યાસમિતિ જોઇને પામી ગયો..

ઇલાયચીકુમાર મહાત્માની વહોરવાની ક્રિયા જોઇને પામી ગયા..

આ બધાં પ્રથમ પ્રકારનાં દૃષ્ટાંત છે.

આ માધ્યમ સર્વશ્રેષ્ઠ છે. કારણકે 🡺

આનાથી જોડાયેલ જીવ, પ્રાયઃ સીધો જ માર્ગ સાથે જોડાઇ જાય છે. (કારણકે સાધના-ગુણ એ જ માર્ગ છે, જે તેને ગમ્યા છે.)

વળી, સાધના-ગુણથી આકર્ષાયેલ જીવ, જ્યાં જ્યાં તેવી (કે તજ્જાતીય) સાધના કે ગુણ જોવા મળશે; ત્યાં બધે જ આકર્ષાશે.

એટલે, એ માત્ર એક વ્યક્તિ સાથે નથી જોડાતો, સમગ્ર શાસન સાથે જોડાય છે – ગુણવાન્ બધા સાથે જોડાય છે.

(एक्कंमि पूइयंमि, सव्वे ते पूइया होंति – આ વચન, તેને પણ લાગુ પડે છે.)


તેવી સાધના કે ગુણ, જિનશાસન સિવાય અન્યત્ર હોવા પ્રાયઃ અસંભવ હોવાથી, તે જીવ બીજે જવાની શક્યતા નહીંવત્ રહે છે.

(જો કે, માત્ર કષ્ટ સહન કરવા રૂપ સાધના, અન્યત્ર મિથ્યા પંથોમાં પણ મળે.. પણ તે અજ્ઞાન-ભરપૂર હોય છે.. વિવેકવંત જીવ તેને પારખી લે છે..

છતાં, તેનાથી ભ્રમિત ન થવાય, તે માટે જ ગુણનું આકર્ષણ ઊભું કરાવવાનું છે. માર્ગ, માત્ર ક્રિયાત્મક નથી, ભાવના-ક્રિયા ઉભયાત્મક છે. અને ઉભયાત્મક માર્ગ સાથેનું જોડાણ જ સાચી શાસન-પ્રભાવના છે.)

વિધિપૂર્વક ક્રિયા કરનારાને જે પ્રભાવક કહ્યા છે, તે આ પ્રકારની પ્રભાવના કરવાના કારણે જ.

કવિત્વશક્તિથી સિદ્ધરાજને પ્રભાવિત કરનારા કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ..

મંત્રાદિશક્તિથી ભોજને પ્રભાવિત કરનારા માનતુંગસૂરિ મ..

આ બધાં બીજા પ્રકારનાં દૃષ્ટાંત છે.

આ માધ્યમ મધ્યમ પ્રકારનું છે. કારણકે 🡺

બીજામાં વધુ શક્તિ હોવી સંભવિત છે. અને એવું હોય, તો તેઓ એનાથી ચમત્કૃત કરીને આપણી સાથે જોડાયેલ જીવને ખેંચી શકે છે. – જેમકે દેવબોધિએ કુમારપાળને આકર્ષ્યા હતા.

શક્તિના પ્રભાવે જોડાયેલ જીવ, તેવી શક્તિવાળી વ્યક્તિ સાથે જ જોડાય છે, સમગ્ર શાસન સાથે નહીં; કારણકે બધામાં તેવી શક્તિ હોતી નથી.

શક્તિના પ્રભાવે જોડાયેલ જીવને માર્ગ સાથે જોડવો સરળ નથી હોતો, કારણકે તેને ગુણનું આકર્ષણ હોતું નથી.

છતાં, આ માધ્યમની એક વિશિષ્ટતા પણ છે કે તેનાથી સત્તાધારી (પુણ્યશાળી) વ્યક્તિઓ ખેંચાય છે, જે પ્રથમ પ્રકારથી બનવું દુઃશક્ય છે.

(૧૮૦ ઉપવાસથી જે ન આકર્ષાય, તે સહસ્રાવધાનથી આકર્ષાઇ શકે.)

અને તેમને ચમત્કૃત કરીને, તેમના દ્વારા શાસનનાં કાર્યો કરાવી શકાય.. (જે કામ, કવિત્વશક્તિ ધરાવતા પૂર્વાચાર્ય ભગવંતોએ કર્યું છે.)


પ્રાચીન દેરાસરોની કોતરણી.. વગેરે ત્રીજા પ્રકારનાં દૃષ્ટાંત છે.

આ માધ્યમ ત્રણમાં કનિષ્ઠ છે, કારણકે ગુણ તરફ આકર્ષવા માટે હકીકતમાં દોષનો ઉપયોગ કરાય છે.

છતાં, તેની પણ તાકાત છે.. દરેક જીવને અનુકૂળ વિષયોનું આકર્ષણ હોવાથી આનાથી સહુ ખેંચાય છે – વિશાળ સંખ્યામાં લોકોને ખેંચી શકાય છે.

પણ, તેના પછી વાસ્તવિક માર્ગ સાથેના જોડાણનો કોઇ પુરુષાર્થ ન હોય, તો આ માધ્યમ જીવના દોષને પોષનારું – વધારનારું બની શકે છે – તે ધ્યાનમાં રાખવું જરૂરી છે.


એક મહત્ત્વની વાત એ છે કે ‘બીજાના હૃદયમાં દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે બહુમાન ઊભું કરવું – તે શાસન-પ્રભાવના’ એવું જે આપણે કહીએ છીએ; તે ગુણવત્તા પ્રત્યેનું બહુમાન જ સમજવાનું છે, જે તામલિ-ઇલાયચીકુમારાદિને થયેલું.

શક્તિમત્તા પ્રત્યેનું બહુમાન (કે સુંદરતા પ્રત્યેનું બહુમાન) એ ઉપચરિત શાસન-પ્રભાવના જ કહેવાશે, વાસ્તવિક નહીં.

ગુણ પણ પ્રધાનપણે વિષયવૈરાગ્ય અને જીવમૈત્રી રૂપ (અથવા તેના ભેદપ્રભેદ રૂપ) જ સમજવાના છે. (હકીકતમાં તેના વિનાના ઉદારતાદિ ગુણો આભાસિક હોય છે, અન્ય કષાયપ્રયુક્ત હોય છે – અભવ્યના સંયમની જેમ.)



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page