આરાધના શા માટે કરવાની ?
- Shraman Books
- Aug 13
- 1 min read
Updated: Aug 30

ધંધો કોને કહેવાય ?
બજારમાં જવું... ખરીદી કરવી... વેચાણ કરવું... વગેરેને વ્યવહારથી ધંધો કહેવાય. પણ વર્ષના અંતે જો નફો ન થયો હોય, ખોટ જ આવી હોય, તો એમ કહેવાય કે ‘ધંધો કરતા આવડ્યું નહીં.’
સાચો ધંધો કરેલો ત્યારે જ કહેવાય કે નફો થાય.
સામાયિક-પ્રતિક્રમણ વગેરે કરો, તો ‘તમે આરાધના કરી’ એવું વ્યવહારથી કહેવાય. પણ તેનાથી જો રાગ-દ્વેષમાં સહેજ પણ ઘટાડો ન થાય, તો એમ જ કહેવાય કે ‘આરાધના કરતાં આવડ્યું નહીં.’
રાગ-દ્વેષ ઘટે, તો જ આરાધના કરેલી સાચી ગણાય.
ધંધો કરનારા વર્ષના અંતે સરવૈયું બનાવે છે – કેટલો નફો થયો ?
આરાધના કરનારા તમે બધા, ‘મારા દોષો કેટલા ઘટ્યા ?’ – એનું સરવૈયું કાઢો છો ખરા ?
હકીકત એ છે કે આરાધના કરનારા, આરાધના કરવા માત્રથી જ સંતોષ માની લે છે – ‘મેં પૂજા કરી લીધી... મારી સામાયિક થઈ ગઈ... પ્રતિક્રમણ થઈ ગયું...’ એટલા માત્રથી જ જાતને કૃતાર્થ માની લે છે.
આરાધના કરીને પણ કાંઈક મેળવવાનું છે – એવી કદાચ સમજ જ નથી... તો આરાધનાથી કંઈ મળ્યું કે નહીં ? તેનું આત્મનિરીક્ષણ ક્યાંથી હોય?
આ તો કેવું છે ?
‘ધંધો કર્યો એટલે ઘણું થઈ ગયું’ એવું માની લીધું... ‘નફો થયો કે નહીં ? કમાણી થઈ કે નહીં ?’ એનો વિચાર જ નહીં કરવાનો... એનું શું થાય ?
આરાધના કર્યા વિના દોષો ઘટતા નથી.
પણ આરાધના કરવા માત્રથી દોષો ઘટી જતા નથી.
દોષોને ઘટાડવાના લક્ષ્યથી ઉચિત આરાધના કરે, તેના જ દોષો ઘટે છે.
Extract from Book Adhyatma-Yatra written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments