મૃત શરીર સામે મોટી શાંતિ બોલે છે – તે યોગ્ય છે ?
- 2 days ago
- 2 min read

પ્રશ્ન : મૃત શરીર સામે મોટી શાંતિ બોલે છે – તે યોગ્ય છે ?
ઉત્તર : આપણે ત્યાં અશુચિસ્થાને સૂત્રો બોલવાની મનાઈ છે.
સભા : મૃત શરીર અશુચિ ગણાય ?
હા. એટલેસ્તો ત્યારપછી સ્નાન કરવાનો વ્યવહાર છે. અને મૃતને તો સંભળાવવાનું હોતું નથી. તો બોલીને શો ફાયદો ?
સભા : સ્મશાને લઇ જાય ત્યારે પણ ‘જય જિનેન્દ્ર – જય મહાવીર’ એવું બધું બોલાય છે.
એ પણ ઉચિત નથી. સાધુ ભગવંતના કાળધર્મ પછી પણ ભગવાનનું નામ નથી બોલાતું, ‘જય જય નંદા...’ જ બોલાય છે.
સભા : શ્રાવક માટે તેવું બોલાય ?
સામાયિક-પૌષધાદિ આરાધનામાં મૃત્યુ પામેલા શ્રાવકની પાલખી કાઢી શકાય – તેવી આપણે ત્યાં પરંપરા છે. એ વખતે તેવું બોલવાની પરંપરા હોય, તો વાંધો નથી.
સભા : તો સ્મશાનયાત્રામાં શું બોલવાનું ?
સમગ્ર જૈન સમાજ ભેગો થઇને નક્કી કરે કે ‘મૃતક સામે કે સ્મશાનયાત્રામાં ભગવાનનું નામ નહીં લેવાનું, સૂત્રો નહીં બોલવાના...’ પછી વડીલ આચાર્ય ભગવંતોનું માર્ગદર્શન લેવું કે ‘શું બોલી શકાય ?’ તેના ઘણા વિકલ્પો મળી શકે. ગૃહસ્થપણામાં એક અત્યંત વૈરાગ્યપ્રેરક હિંદી પદ સાંભળેલું - ‘દેખ તમાશા લકડી કા...’ એવું કોઈ પદ બોલી શકાય.
સભા : એવી કોઈ સજ્ઝાય બોલાય ?
જેમાં ભગવાનનાં/મહાપુરુષોનાં નામ આવતા હોય, તેવું તો નથી બોલવાનું. તેના વિનાના કોઈ પદ હોય, અને વડીલ મહાપુરુષો કહે, તો બોલી શકાય.
સભા : મૃતકને પ્રદક્ષિણા આપે છે, તે યોગ્ય છે ?
આપણા માટે પંચ પરમેષ્ઠી અને નવપદ પૂજ્ય છે. તેની ઉપાસના-પૂજા છે. તેને પ્રદક્ષિણા આપી શકાય.
સાધર્મિક અપેક્ષાએ પૂજ્ય હોવા છતાં, તેને પ્રદક્ષિણા વગેરેનો વ્યવહાર નથી, અને કરવો યોગ્ય પણ જણાતો નથી. તો મૃતકને પૂજ્ય જેવો પ્રદક્ષિણાનો વ્યવહાર કેટલો યોગ્ય ગણાય ? અલબત્ત, નિશ્ચય નયથી સર્વ આત્માઓ સિદ્ધ પરમાત્મા તુલ્ય છે – અનંત ગુણવાન્ છે; પણ તે વ્યવહારમાં ઊતારવાનું નથી, નહીં તો કીડી-મંકોડાને કે ઉંદર-બિલાડાને ય પ્રદક્ષિણા આપવાનું ઉપાદેય બનશે. અને મૃતકમાં તો આત્મા હોતો પણ નથી.
સભા : સાધુના મૃત શરીરને પ્રદક્ષિણા અપાય ?
એવો વ્યવહાર સામાન્યથી દેખાતો નથી. છતાં, સાધુનું શરીર હોવાથી તે સાધુનો દ્રવ્યનિક્ષેપ છે, એટલે પૂજ્ય છે. એટલે, ક્યાંક તેવો વ્યવહાર હોય, તો સર્વથા નિષિદ્ધ નથી.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments