કઈ આરાધનાને પ્રાયોરિટી આપવી...
- May 14
- 1 min read

પ્રશ્ન : પ્રતિક્રમણ, જિનપૂજા, સામાયિક, વ્યાખ્યાન... બધી આરાધના થઈ શકતી નથી. તો શેને પ્રાયોરિટી આપવી ?
ઉત્તર : પ્રાયોરિટીનો નિર્ણય શેના આધારે થાય ? જે આરાધનાથી (સાક્ષાત્ કે પરંપરાએ) જેને ગુણવૃદ્ધિ-દોષનાશ વધુ થતા હોય, તેણે તેને પ્રાયોરિટી અપાય.
એટલે, હકીકતમાં આ પ્રશ્નનો ‘જનરલ’ જવાબ નથી, દરેક વ્યક્તિ માટે બદલાઈ શકે.
છતાં, એમ કહી શકાય કે સામાન્યથી વ્યાખ્યાન-શ્રવણ એ પ્રધાન આરાધના છે. કારણ એ છે કે બધી જ આરાધનાઓનું – આરાધનાની સમજણનું પ્રવેશદ્વાર વ્યાખ્યાન-શ્રવણ છે.
એટલું જ નહીં, આરાધનાની તાકાત પણ જ્ઞાનથી વધે છે, તે જ્ઞાન (પ્રાયઃ) વ્યાખ્યાન-શ્રવણથી જ આવે છે.
શાસ્ત્રમાં એક વાત આવે છે. એક ગામમાં સાક્ષાત્ પરમાત્મા પધાર્યા, સમવસરણ મંડાયું, દેશના ચાલુ થઇ.
એ જ વખતે એક શ્રાવક પૂજાની સામગ્રીનો વિશિષ્ટ થાળ લઈને પ્રભુની પૂજા કરવા દેરાસરે જઈ રહ્યો હતો.
ત્યારે ઇન્દ્રે તેને પ્રતિબોધ કર્યો – ‘ભગવાનની દેશના ચાલુ છે, ત્યારે દેશના સાંભળવી – એ પ્રધાન આરાધના છે; પૂજા આગળ-પાછળના સમયે કરવાની.’
ડોક્ટર દવા લખી આપે, તેને ‘શી રીતે લેવી ?’ તે કંપાઉન્ડર સમજાવતો હોય, ત્યારે તે સમજવાનું પ્રધાન કરાય ? કે ડોક્ટરને હારતોરા કરવાનું ?
પ્રભુએ આપણા ભવ-રોગ માટે જે દવા લખી છે, તેને ગુરુ સમજાવે – તેનું નામ વ્યાખ્યાન. ત્યારે તેનું શ્રવણ જ પ્રધાન કરાય, પ્રભુના બહુમાન રૂપ પૂજા નહીં.
અલબત્ત, પૂજા આગળ-પાછળના સમયે કરી તો લેવાની જ.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments