કર્મબંધનો આધાર આંતરિક પરિણતિ છે…બાહ્ય પરિણામ (Result) નહીં…
- Shraman Books
- Sep 28
- 2 min read

કોઇપણ પ્રવૃત્તિથી થતા કર્મબંધનો આધાર, તે વ્યક્તિના અંતરમાં રહેલી પરિણતિ છે; તે પ્રવૃત્તિથી બહાર જે પરિણામ આવે છે, તે નહીં.
મારા વ્યાખ્યાનમાં ૧૦૦ માણસ સાંભળવા આવે કે ૧૦૦૦ આવે, તેનાથી મારા પુણ્યબંધમાં ફરક પડતો નથી.
મારા પુણ્યબંધનો આધાર, મારા અંતરમાં રહેલી (શ્રોતાઓને સન્માર્ગ બતાવવાની) કરુણા ભાવના, ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવાની ભાવના, સંઘ પ્રત્યેનું કર્તવ્ય નિભાવવાની ભાવના, ભવાંતરમાં જિનવચન મને મળે તે માટે બીજાને આપવાની ભાવના.. એ બધા પર રહેલો છે.
સભા : સંખ્યા વધે, તો ભાવ પણ વધે ને ?
અલબત્ત, સંખ્યાથી ભાવ વધે, તો પુણ્યબંધ વધી શકે. પણ સંખ્યાથી ભાવ વધે જ – તેવો નિયમ નથી. જિજ્ઞાસુ-સુપાત્ર એવી એક વ્યક્તિને ઉપદેશ આપવામાં પણ ઉચ્ચ કોટિની કરુણા ભાવના હોઇ શકે છે, અને ૧૦૦૦ ની સભામાં વ્યાખ્યાન કરવામાં પણ કંટાળો આવી શકે છે. અને સંખ્યાથી ભાવમાં ફરક પડે તો પણ, પુણ્યબંધનો આધાર તો ભાવ જ છે, સંખ્યા નહીં.
તેવી જ રીતે, આવેલા શ્રોતાઓમાં કોઇ જ ન સમજે કે ન પામે; તેનાથી પણ મારા પુણ્યબંધમાં ફરક પડતો નથી. અને બધા જ સમજે કે પામે; તેનાથી પણ પુણ્યબંધમાં ફરક પડતો નથી.
દાખલા તરીકે, હું રાત્રિભોજનના ત્યાગની પ્રેરણા કરતું પ્રવચન કરું, અને કોઇ જ રાત્રિભોજન ન છોડે કે બધા જ છોડી દે; મારા પુણ્યબંધમાં તેનાથી ફરક પડતો નથી. મારો પુણ્યબંધ તો મારી કરુણા ભાવના પર જ આધાર રાખે છે.
સભા : કોઇ જીવ આપના પ્રવચનથી જીવનભર રાત્રિભોજન છોડે, તેનો લાભ આપને ન મળે ?
તેમાં જે લાભ મળે, તે મારી કરુણા અને તેનાથી કરાતી ઉપદેશની પ્રવૃત્તિના કારણે મળે; સામેવાળો છોડે કે ન છોડે તેના આધારે નહીં.
સભા : શાસ્ત્રોમાં કરણ-કરાવણ-અનુમોદન એમ ત્રણેનું ફળ બતાવ્યું છે ને ?
ત્યાં ‘કરાવણ’ નો અર્થ – બીજાને કરાવવાની પોતાની ભાવના અને તેને અનુસરતો પુરુષાર્થ જ સમજવાનો છે. સામેવાળો કરે કે ન કરે, તેનાથી ફરક નથી પડતો. હા, તે કરે, તો એક જીવ ધર્મ પામ્યો તેનો આનંદ થાય.. તેના ધર્મની અનુમોદના થાય.. તો તેનું ફળ વધે – તે જુદી વાત છે. અને ઉપદેશ સફળ થવાથી ઉપદેશનો ઉલ્લાસ વધે – કરુણા વધે, તો પુણ્યબંધ વધે – તે પણ સંભવિત છે. અને ઉપદેશ નિષ્ફળ જવાથી ઉલ્લાસ ઘટે, તો પુણ્યબંધ ઘટે – એ પણ સંભવ છે.
Extract from Book Aho ! Jinshasanam written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.



Comments