કર્મબંધનો આધાર આંતરિક પરિણતિ છે…બાહ્ય પરિણામ નહીં… 2
- Shraman Books
- Oct 11
- 2 min read
Updated: 6 days ago

કોઇ મારાં પ્રવચન સાંભળીને પ્રતિબોધ પામેલ વ્યક્તિને પૂછે – ‘તમે કોનાથી પામ્યા ?’ અને કોઇપણ કારણથી તે મારા બદલે બીજા કોઇનું નામ બોલે, મને શું ફરક પડે ?
મેં તો કરુણાથી ઉપદેશ આપીને પુણ્ય બાંધી લીધું. હવે તે બીજાનું નામ આપે, તેથી પુણ્ય કંઇ તેનું થઇ જતું નથી. તે રીતે તમે કેમ વિચારી ન શકો ?
મારાથી પ્રતિબોધ પામેલ વ્યક્તિ, મારા બદલે બીજાની પાસે દીક્ષા લે, તો મને શું ફરક પડે ? મેં તો કરુણાથી તેને પ્રતિબોધ કર્યો, એટલે લાભ મળી ગયો. તે સંયમ પામે તેના માટે મેં ઉપદેશ કર્યો, અને તે સફળ પણ થયો. મારો શિષ્ય બનાવવા જ ઉપદેશ કર્યો હોય, તો તો મારો આશય જ અશુભ છે.
તમારા બદલે બીજાના નામની તક્તી લાગે ત્યારે તમે ન વિચારી શકો કે – ‘મારા નામની તક્તી લાગી હોત, તો જોઇ-જોઇને માનકષાય પુષ્ટ થાત. સારું થયું, બીજાના નામની તક્તી લાગી.’
હજી આગળ વાત કરું.
ઉપાશ્રય બન્યો, પણ કોઇ કારણસર ત્યાં ચોમાસું-વ્યાખ્યાન-પ્રતિક્રમણ વગેરે આરાધના થતી નથી. તમે જે ભાવથી દાન આપીને પુણ્ય બાંધ્યું તે ચાલ્યું જાય ?
સભા : ના. પણ આરાધના થાય, તો જોઇને અનુમોદના કરીએ, તો પુણ્ય વધે ને?
મંજૂર છે. પણ આરાધના ન થાય, તો અફસોસ શા માટે ? દાનથી બાંધેલું પુણ્ય તો ઘટતું નથી જ.
સભા : જે આરાધના થાય, તેનો છટ્ઠો ભાગ મળે ને ?
કોણે કહ્યું ? તમે અનુમોદના કરો તો છટ્ઠો ભાગ જ નહીં – છસો ગણું પણ મળી શકે. બીજી બધી સામગ્રી હોય તો કેવલજ્ઞાન થઇ શકે.
પણ આરાધના ન થાય તો અફસોસ શા માટે ? હું તો કહીશ કે, આરાધના થાય અને તેની અનુમોદના કરે, તો જે પુણ્ય બંધાય; તેના કરતાં કશી આરાધના ન થાય તો પણ જેના મનની રેખા ન ફરે - તેવી સમતા રાખે; તે સમતાને કારણે પહેલેથી જ ઉત્કૃષ્ટ પુણ્ય બાંધે.
મારા વ્યાખ્યાનમાં સારી સંખ્યા આવે.. ‘લોકો ધર્મ પામે છે’ તેવી મારા પુરુષાર્થની અનુમોદના કરીને હું પુણ્ય બાંધું.. અને કોઇ ન આવે કે ન પામે, છતાં સ્વસ્થ રહું.. બેમાં પુણ્ય શેમાં વધારે બંધાય ?
સભા : બીજામાં.
એટલે બધી પરિસ્થિતિમાં મનને સ્વસ્થ રાખનારની પરિણતિ ઉચ્ચ હોવાથી તે વધુ પુણ્ય બાંધે છે…
Extract from Book Aho ! Jinshasanam written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.



Comments