top of page

કર્મબંધનો આધાર આંતરિક પરિણતિ છે…બાહ્ય પરિણામ નહીં…

  • Writer: Shraman Books
    Shraman Books
  • Oct 4
  • 2 min read
ree

પ્રવૃત્તિથી થતો કર્મબંધ, પ્રવૃત્તિના બાહ્ય પરિણામથી નહીં, તમારી અંદર રહેલ પરિણતિથી થાય છે.

તમારી પાસે પ્રભુની કૃપાથી ઘણી સંપત્તિ હોય.. કો’ક ઉપાશ્રયના નામકરણનો ચઢાવો મોટી રકમમાં તમે લીધો.. ઉપાશ્રય બની ગયો, ઉદ્ઘાટન થઇ ગયું, ઉપાશ્રયનો ઉપયોગ પણ ચાલુ થઇ ગયો.. કોઇપણ કારણથી તમારા નામની તક્તી ન લાગી, તો શું થાય ? તમને તમારું દાન સફળ લાગે કે નિષ્ફળ ?

સભા : છે તો સફળ, અમને લાગે નિષ્ફળ.

તમે દાન શેના માટે કર્યું ? આરાધનાનો લાભ મળે તેના માટે ? કે તક્તી લાગે તેના માટે ? આરાધના તો થઇ જ રહી છે, તો તક્તી ન લાગે તો પણ શો ફરક પડે ?

સભા : તક્તી હોય, તો જોઇને અનુમોદના કરીએ ને ?

તો ઘરમાં તક્તી લગાડી દો – ‘મેં ઉપાશ્રયમાં લાભ લીધો છે.’ અને તેને જોઇને અનુમોદના કર્યા કરો. તેના માટે ઉપાશ્રયમાં તક્તીની શી જરૂર છે ?

પોતાનાં સુકૃતોની અનુમોદના તો ડાયરીમાં સુકૃતો લખીને થઇ શકે. તેના માટે જાહેર તક્તીની જરૂર નથી.

સભા : બીજા અનુમોદના કરે.

તે તો તક્તી હોય કે ન હોય, કરી જ શકે છે.

‘જે પણ ભાગ્યશાળીએ આવો સરસ ઉપાશ્રય બનાવ્યો, તેણે કેવો સરસ લાભ લીધો !’ તેવી અનુમોદના કરવા માટે તક્તીની કે તમારા નામની શી જરૂર ? ઊલટું, તક્તી નહીં હોય, તો વધારે અનુમોદના કરશે – ‘એક તો આટલો સરસ લાભ લીધો, અને પાછી નામનાની સ્પૃહા પણ નથી.’

શુભ ભાવથી દાન કરવા દ્વારા તમે બાંધેલું પુણ્ય, તક્તી ન લાગવાના કારણે તો ચાલ્યું જતું નથી જ. તો દાનને નિષ્ફળ શા માટે માનવું ? અફસોસ કરીને સળગાવી કાં દેવું ? કબૂલ કરો કે ‘અંદર માનકષાય છે, તેથી તક્તી લગાડવી છે.’

એક વાત ધ્યાનમાં રાખજો – સંઘના અગ્રણીઓ તકતી ન લગાડે, તો તે તેમનો ગુનો હોઇ શકે, પણ તે વાત હું તેમને કરું.

દાન કરનારને તો એ જ કહેવું છે – તક્તી ન લાગી તો શો ફરક પડે છે ? પુણ્ય તો બંધાઇ જ ગયું છે.

હવે બીજી વાત, તમારા બદલે બીજાના નામની તક્તી લાગે તો ?

સભા : એ કેમ ચાલે ?

ચાલે કે ન ચાલે – એ વાત નથી.

પુણ્ય કોને બંધાય ? જે દાન આપે તેને, કે જેનું નામ તકતીમાં લખાય તેને ?

સભા : જે દાન આપે, તેને.

તો પછી પુણ્ય તો તમે બાંધ્યું જ છે. હવે તક્તી બીજાના નામની લાગે, તો તમને શો ફરક પડે?

સભા : એ સહન ન થાય – તેવા કષાય છે.

બસ, એટલેસ્તો સંસારમાં રખડીએ છીએ. અનંત કાળમાં આપણે જ્યારે પણ ધર્મ કર્યો છે,

ત્યારે આવા કષાયોએ જ આપણને સંસારથી છૂટવા નથી દીધા. અને એને કાઢ્યા વિના આપણો ઉદ્ધાર થવાનો નથી.


Extract from Book Aho ! Jinshasanam written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


અહો ! જિનશાસનમ્ (Aho Jinshasanam)
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page