સૂક્ષ્મતમ આચાર-નિરૂપણ...

પ્રભુના શાસનમાં આચારોનું જે અતિસૂક્ષ્મ નિરૂપણ છે, તે રોમાંચ ખડા કરી દે તેવું છે.
સાધુ ભગવંતે વિહાર કરવાનો હોય, તેનો વિધિ શાસ્ત્રમાં બતાવ્યો છે. તેમાં કેટલું ઝીણવટભર્યું નિરૂપણ છે ! તે જુઓ ➔
એક રસ્તો પથ્થરવાળો હોય, બીજો રસ્તો ધૂળવાળો હોય... તો કયા રસ્તે જવું ?
એક રસ્તે પાણી હોય, બીજા રસ્તે ઘાસ હોય... તો કયા રસ્તે જવું ?
આવા ઢગલાબંધ વિકલ્પો બતાવીને, તેમાંથી કયા રસ્તે જવું – તે બતાવ્યું છે.
વિહાર ક્યારે (કયા સમયે) કરવો ?
કેવા સંયોગોમાં બપોરે ?
કેવા સંયોગોમાં સવારે ?
કેવા સંયોગોમાં વહેલી પરોઢે વિહાર કરવો ?
તે બતાવ્યું છે.
વિહાર શરૂ કરતી વખતે કોણે પહેલાં નીકળવાનું ? કોણે છેલ્લે નીકળવાનું ? તે જણાવ્યું છે.
છૂટા પડી જવાય, તો પાછા ભેગા શી રીતે થવાનું ? તે પણ બતાવ્યું છે.
રસ્તો પૂછવો પડે, તો કોને પૂછવો ? પુરુષ કે સ્ત્રી ? બાળ, જુવાન કે વુદ્ધ ? તે પણ બતાવ્યું છે.
વિહાર નક્કી હોવાના સમાચાર, લોકોને કેવા શબ્દોમાં જણાવવાના ? તે પણ જણાવ્યું છે.
રસ્તામાં પાણી વાપરવું પડે, તો ક્યાં વાપરવું ? તે બતાવ્યું છે.
રસ્તામાં ગોચરી વહોરવી પડે, તો ક્યાં વહોરવી ? ક્યાં વાપરવી ? તે બતાવ્યું છે.
સામેના ગામે સવારે પહોંચીએ તો શું કરવાનું ?
બપોરે પહોંચીએ તો શું કરવાનું ?
સાંજે પહોંચીએ તો શું કરવાનું ?
તે બતાવ્યું છે.
સામેના ગામે સાધુ ભગવંતો હોય તો શું કરવાનું ?
સાધ્વી ભગવંતો હોય તો શું કરવાનું ?
શ્રાવકો હોય, તો શું કરવાનું ?
શ્રાવકો ન હોય, તો શું કરવાનું ?
તે બધું બતાવ્યું છે.
સામેના ગામે કોણે પહેલા અંદર પ્રવેશ કરવાનો ? કોણે પાછળ રહેવાનું ? તે પણ બતાવ્યું છે.
જે મકાનમાં રહેવાનું હોય, તેમાં કોણે પહેલાં પ્રવેશ કરવાનો ? કોણે પાછળ રહેવાનું ? તે પણ બતાવ્યું છે.
ગામમાં મકાન કયા સ્થાને ગોતવાનું ? તે પણ બતાવ્યું છે.
મકાનમાં આચાર્યનું આસન ક્યાં રાખવાનું ?
બીજા સાધુઓએ સંથારા કેવી રીતે કરવાના ?
જગ્યા ઓછી હોય, તો શું કરવાનું ?
જગ્યા વધારે હોય, તો શું કરવાનું ?
જગ્યા માપસર હોય, તો શું કરવાનું ?
બે સંથારા વચ્ચે બાજુમાં-ઉપર-નીચે કેટલી જગ્યા ખાલી રાખવાની ?
તે પણ બતાવ્યું છે.
ધર્મશાળા જેવા મકાનમાં ઉતરવું પડે, જ્યાં બીજા મુસાફરો આવતા હોય, તો શું કાળજી રાખવાની ?
તે મુસાફરો ભદ્રિક હોય, તો શું કાળજી રાખવાની ?
તે મુસાફરો વિધર્મી હોય, તો શું કાળજી રાખવાની ?
તે પણ બતાવ્યું છે.
થાકી ગયા ?
વર્તમાન પરિભાષામાં કહું તો ISO 9000 સ્ટાન્ડર્ડમાં ઉત્તીર્ણ થવા માટે જે રીતે Procedure Well-Defined હોવી જોઇએ; તે રીતે બધું બતાવેલું છે.
આ તો માત્ર વિહારની વાત થઇ. આવું જ ગોચરી માટે છે. (આનાથી વધારે છે.)
દુનિયાના કોઇ ધર્મમાં આટલું ઝીણવટપૂર્વકનું નિરૂપણ નહીં મળે.
નહીં મળે, નહીં મળે, નહીં મળે રે... શાસન આવું જગતમાં નહીં મળે રે !
અહો ! શ્રામણ્યમ્ ! ... અહો ! જિનશાસનમ્ !
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb for E-magazine Faithbook.

Any subject, Gurudev clarify in deeply With super argument with Shastra, Siddhant