ધર્મ સ્થાનમાં અનુચિતતાની જવાબદારી...
- Apr 16
- 2 min read

પ્રશ્ન : ધર્મસ્થાનમાં કંઈ અનુચિત થાય, તો તેના પાપના ભાગીદાર ટ્રસ્ટીઓ બને ?
ઉત્તર : આનો જવાબ હું આ રીતે આપીશ -
મારો શિષ્ય પાપ કરે, તો મને પાપ લાગે ?
જો હું તેને પાપ કરવાની આજ્ઞા કરું કે રજા આપું, તો લાગે.
તેને પાપ કરવામાં મારી અનુમતિ હોય તો પણ લાગે. મારી ઈચ્છા એવી હોય કે, ‘તે પાપ કરે’, ભલે હું તેવું બોલું નહીં, તો પણ લાગે. તે પાપ કરે છે તેવી મને ખબર હોય, હું તેને અટકાવી શકું તેમ હોઉં, છતાં ઉપેક્ષા કરું તો પણ લાગે.
પણ, મારી જાણ બહાર તે પાપ કરે, તો હું શું કરી શકું ? હું બેદરકાર હોઉં તો ઉપેક્ષા છે - પાપ લાગે જ. પણ રાતના હું સૂઈ જાઉં, પછી શિષ્ય કંઈ કરે તો મને ખબર જ ન પડે, તો હું શું કરી શકું ?
ખબર પડવા છતાં, કહેવા-સમજાવવા છતાં ન સુધરે, તો પણ હું શું કરું ?
ચોથા-પાંચમા વ્રતની ખામી હોય તો કડક સજા કરાય. બીજામાં પ્રમાદ હોય તો સમજાવાય - ઠપકો અપાય. ન સુધરે તો ઉપેક્ષા પણ કરવી પડે. ‘ભણશે, વૈરાગ્ય વધશે તો સુધરશે.’ એમ રાહ જોવી પડે. ક્યારેક ખબર પડવા છતાં, કહેવામાં મોટું નુક્સાન થવાની સંભાવના દેખાય - શિષ્ય સામે પડશે, વધુ વિફરશે - તેવું લાગે તો પણ ઉપેક્ષા કરવી પડે. તે બધામાં ગુરુને દોષ નથી.
તે જ રીતે, ટ્રસ્ટી પોતે જ ખોટું કામ કરે, કરાવે, કરવાની રજા આપે, અટકાવવાની શક્તિ હોવા છતાં ઉપેક્ષા કરે.. તો પાપ લાગે. પણ દરેક વખતે તેવું નથી હોતું. ટ્રસ્ટી ૨૪ કલાક ઉપાશ્રયમાં બેસી ન શકે. તેમને ઘર-સંસાર-વ્યવહાર છે. તેમની ગેરહાજરીમાં, તેમની જાણ બહાર થાય, તો તેઓ શું કરી શકે ? ખબર પડવા છતાં - કહેવા છતાં કાર્યકરો ન માને, તો શું કરી શકે ? પગારદાર નોકરો પણ ન માને તેવું બનતું હોય છે. અને તેમને નભાવવા પડતા હોય છે.
જે કાર્યક્ષેત્ર બીજા ટ્રસ્ટીનું હોય, તેમાં માથું ન મરાય. જેમ કે આયંબિલખાતું બીજા ટ્રસ્ટી સંભાળતા હોય.. તેમાં કંઈ ખોટું થતું હોય તો ધ્યાન દોરી શકે. પછી પણ ન સુધરે, તો તેઓ શું કરે ?
તે બધાનું પાપ તેમને લાગતું નથી. એટલે તેવા ડરથી પદ છોડવું નહીં.
આપણે સમયનો ભોગ આપીએ, શક્ય સાવધાની રાખીએ, આપણું કાર્ય નિષ્ઠાથી કરીએ, ભૂલ થાય ત્યાં શક્ય હોય તો સુધારીએ; તો લાભ જ છે. જે ન જ ચલાવી શકાય તેવા સિદ્ધાંત વિરોધી કાર્ય થતા હોય તો તેમાં પોતાની અસંમતિ જાહેર કરવા પદ છોડી દેવું - તે જુદી વાત છે. જેમ કે દેવદ્રવ્યનો અનુચિત વ્યય થતો હોય, તો પદ છોડી દેવું પડે.
અત્યારે નિષ્ઠાવાન્ કાર્યકરોનો મોટો દુકાળ છે. ત્યારે સજ્જન માણસે નાના ભયથી પદ છોડવું નહીં.આપણા હાથ બહારની પરિસ્થિતિમાં કંઇ અનુચિત થાય, તેમાં કદાચ કોઈ નુકસાન હોય તો પણ, તેના કરતાં જે કામ આપણા હાથમાં છે, તે ઉચિત રીતે કરવામાં લાભ ઘણો વધુ છે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments