top of page

પર્વતિથિએ ફળપૂજા કેમ થઇ શકે ?...

Mar 7
2 min read
If we renounce greens on Tithis, why do we offer fruit to God? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains the difference between renouncing attachment and avoiding violence in rituals

પ્રશ્ન : પર્વતિથિએ લીલોતરી ન ખવાય, તો ભગવાનને ફળ કેમ ચડાવાય ?

એવો કોઈ નિયમ નથી કે - જે આપણે છોડવાનું, તે ભગવાનને પણ ન ધરાવાય.

નહીં તો, ભંડારમાં પૈસા પણ નહીં મૂકાય, કારણકે તમારે પૈસા છોડવાના છે. તમને અમે પૈસા છોડવાનો, આભૂષણ છોડવાનો, વિભૂષા ત્યાગવાનો ઉપદેશ આપીએ છીએ. અને પરમાત્માની અંગરચના કરવાનો, આભૂષણ પહેરાવવાનો, ભંડારમાં પૈસા મૂકવાનો ઉપદેશ પણ આપીએ છીએ.

સભા : તો પછી જે અભક્ષ્ય મીઠાઈ વગેરે અમારે છોડવાની છે, તે પણ ભગવાનને ધરાવાય ?

ના, બંનેમાં ફરક છે.

પૈસા, આભૂષણ, પર્વતિથિએ લીલોતરી વગેરેનો ત્યાગ; રાગના ત્યાગ માટે, મૂર્ચ્છા તોડવા માટે છે.

અને ભગવાનને ધરવામાં તો સુતરાં મૂર્ચ્છા તૂટે છે, વધતી નથી જ. એટલે ભગવાનને ધરી શકાય છે.

અભક્ષ્ય મીઠાઈ વગેરેનો ત્યાગ, તે બનાવવામાં કે ખાવામાં થતી જીવહિંસાના કારણે છે. એને ભગવાનને ધરવામાં પણ જીવહિંસા તો થાય જ, એટલે ન ધરાય. જેમ કે કાચા માવાના પેંડામાં બીજે દિવસે બેઇન્દ્રિય જીવો ઉત્પન્ન થાય. તેવા જીવતા જીવોથી ખદબદતા પેંડા શી રીતે ભગવાનને ધરી શકાય ?

રાગ માટે છોડવાની વસ્તુ પણ જો ભગવાનને ન ધરાવાય - તેવું માનશો, તો આજીવન મીઠાઈ છોડનારે નૈવેદ્ય પૂજા બંધ કરવી પડશે.

તિથિએ લીલોતરીનો ત્યાગ મુખ્યત્વે રાગને ત્યાગવા માટે છે. અલબત્ત તેમાં હિંસા પણ કારણ છે જ; પણ હિંસા તો કઠોળમાં પણ છે. મગના દરેક દાણામાં જીવ છે. બાફવાથી તેની હિંસા પણ થાય જ છે. ક્યારેક લીલોતરી કરતાં વધુ પણ હોય ! એટલે માત્ર હિંસાના કારણે લીલોતરીનો ત્યાગ નથી, રાગને ત્યાગવાનું મુખ્ય પ્રયોજન છે.

સભા : કોઈને લીલા શાક કરતાં મગ વધુ ભાવતા હોય - તેના પર રાગ થતો હોય તો ?

તો તેણે મગ પણ છોડીને મઠ વાપરવાના. અથવા મગમાં સુદર્શન ચૂર્ણ નાખવાનું. અથવા મીઠા વગરના મગ વાપરવાના - જેથી રાગ ન થાય. પણ, ૧૦૦માંથી ૯૦-૯૫ જણાંને લીલોતરી પર રાગ વધુ થતો હોવાથી, લીલોતરીના ત્યાગનો વ્યવહાર ગીતાર્થોએ પ્રવર્તાવ્યો, પછી તેનું પાલન કરવું પડે. ભલે તેના પર કોઈકને રાગ ન થતો હોય. કારણકે શાસન વ્યવહારથી ચાલે છે

આ વાત બીજી રીતે સમજાવું.

સાધુને રંગીન કપડાનો ત્યાગ છે, સફેદ જ પહેરવાના છે. તે મુખ્યત્વે રાગને ત્યાગવા માટે જ છે.

હવે બની શકે કે કોઈને લાલ-પીળા રંગ કરતા સફેદ રંગ જ વધુ ગમતો હોય - તેના પર વધુ રાગ થતો હોય. આવું બની શકે ને ?

સભા : હા.

મારી વાત જ કરું - મને ભડક રંગો કરતાં સફેદ રંગ વધુ ગમે છે. તો શું મને રંગીન કપડાં પહેરવાની છૂટ મળે ? નહીં જ, કારણકે તેમાં સફેદ જ કપડા પહેરવાનો આચાર જ ન રહે. વ્યવહારનો ભાંગીને ભૂકો થઈ જાય. પછી બીજા બધા પણ રંગીન પહેરવા માંડે. સાધુની ઓળખ જ ના રહે. ૯૦-૯૫% વ્યક્તિને રંગો પર જ રાગ થતો હોવાથી પરમાત્માએ સફેદ જ કપડાંનો આચાર બતાવ્યો. પછી બે-પાંચને સફેદ પર વધુ રાગ થતો હોય, તો પણ તેમણે સફેદ જ પહેરવા પડે.

સભા : તેના પર રાગ કરવાથી તેમનું તો અહિત જ થાય ને ?

તેમણે રાગથી બચવા બીજા ઉપાયો કરવાના. બહુ ચોખ્ખાં કપડાં નહીં કરવાનાં - મેલાં રાખવાનાં.

જેને રાગથી બચવું છે, તેને ઉપાય મળી રહે. પણ વ્યવહારનો ભંગ ન થઈ શકે.

આપણે બધા વક્ર અને જડ છીએ. એક વાર વ્યવહારનો ભંગ થાય, પછી ધીરે ધીરે બધું જ ભાંગી જાય છે. એટલે વ્યવહારનું પાલન અનિવાર્ય છે.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page