જિનશાસન - સુખનો માર્ગ - ૧
- Shraman Books
- Sep 10
- 2 min read
Updated: Sep 12

તમે અહીં કેમ આવ્યા ?
સભા : વ્યાખ્યાન સાંભળવા માટે.
બરાબર. જો વ્યાખ્યાન સામેના હોલમાં હોત, તો ?
સભા : તો ત્યાં આવત.
એનો અર્થ એ છે કે ભલે તમે અહીં આવ્યા, તમારે નિસ્બત વ્યાખ્યાન સાથે હતી, આ જગ્યા સાથે નહીં. વ્યાખ્યાન અહીંયા હતું, એટલે તમે અહીં આવ્યા.
તે રીતે, પ્રભુ તો સુખનો જ માર્ગ બતાવવા માગતા હતા. મોક્ષ તો સુખનું સરનામું માત્ર છે…
ત્યાં સુખ હોવાથી પ્રભુએ તેનો માર્ગ બતાવ્યો. પ્રભુને નિસ્બત આપણને સુખી કરવા સાથે જ છે, મોક્ષ સાથે નહીં... મોક્ષમાં આપણને બધાને ભેગા કરવાથી પ્રભુને શું મળવાનું હતું ?
આ પદાર્થને સમજ્યા વગર, ‘મોક્ષ... મોક્ષ...’ ગોખવાથી તો તમે અટવાઇ જશો...
કદાચ અટવાયેલા જ છો... ‘મોક્ષ માટે ધર્મ કરવાનો’ એવા ગોખેલા શબ્દો બોલો છો, પણ
હકીકતમાં મોક્ષની સમજણ જ હોતી નથી.
સભા : તો ધર્મ કરવા પાછળ સુખી થવાનું જ લક્ષ્ય રાખવાનું ?
તે લક્ષ્ય રાખવું પડતું નથી, હોય જ છે. સહુ જીવ સુખી થવા ઇચ્છે છે – અમે પણ સુખી થવા જ દીક્ષા લીધી છે, દુઃખી થવા નહીં.
કોઇ છોકરો મોટો થાય, ત્યારે એ સમજાવવું પડતું નથી કે સુખી થવા મહેનત કરજે.
સુખ શું છે ? ક્યાં છે ? કેવી રીતે મળે ? એ જ સમજાવવાનું હોય છે.
અસંજ્ઞી જીવને વ્યક્ત મન ન હોવા છતાં, સુખી થવાની ઇચ્છા તો હોય છે.
તડકો આવે, તો કીડી પણ છાંયડામાં જતી રહે છે. કેમ ? તેને પણ તડકાનું દુઃખ નથી ગમતું, સુખ જોઇએ છે.
પ્રભુએ આપણને સુખી કરવા માટે શાસનની સ્થાપના કરી છે, મોક્ષમાં મોકલવા નહીં.
મોક્ષ તો સુખનું સરનામું માત્ર છે. પ્રભુ મોક્ષમાં સુખ લાવ્યા નથી, લાવી શકે પણ નહીં.
મોક્ષમાં સુખ હતું – એ પ્રભુએ આપણને બતાવ્યું.
જૈન દર્શન ઇશ્વરને જગત્કર્તા નહીં, દ્રષ્ટા જ માને છે.
આ વાત જો સમજાશે, તો ધર્મ પ્રત્યેની તમારી દૃષ્ટિ જ બદલાઇ જશે.
Extract from Book Sukh Kyan ? written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.



Comments