દૃષ્ટિરાગ...
- Mar 16
- 2 min read

દૃષ્ટિરાગનો અર્થ એવો કરાય છે, કે ‘ખોટી વાતની પક્કડ.’
પણ આ અર્થમાં કેટલીક સમસ્યા છે.
‘ખોટી’એટલે શું ?
વ્યક્તિને પોતાને તો પોતાની વાત સાચી જ લાગતી હોય છે. તો જ તે પક્કડ રાખે ને ?
જો ખોટીનો અર્થ એ રીતે કરાય કે સર્વજ્ઞની દૃષ્ટિએ ખોટી.. તો વર્તમાનકાળમાં તો
તેનો નિર્ણય સંભવ જ નથી.
સહુ એમ જ માનશે કે ‘મને જે સાચું લાગે છે તે જ સર્વજ્ઞની દૃષ્ટિમાં સાચું છે. એટલે
મારી પક્કડ સાચી વાતની જ છે.’
તો દૃષ્ટિરાગ કોને કહેવો ?
‘મારી બુદ્ધિમાં જે સાચું લાગે તે જ સાચું..
મારી બુદ્ધિમાં જે ખોટું લાગે તે ખોટું.. પછી ભલે તે વાત કોઈની પણ હોય.’
આવી પક્કડ એ પણ દૃષ્ટિરાગ જ છે, કદાગ્રહ છે.
જ્યાં એવી પરિણતિ હોય, કે ‘મારી બુદ્ધિમાં સમજાય કે નહીં, પણ જ્ઞાની એવા
ગુણવાન્ (સંવિગ્ન-ગીતાર્થ) ની વાત મારે સ્વીકારી લેવી.’ તે જ શ્રદ્ધા છે,
દૃષ્ટિરાગનો અભાવ છે.
આ વાતને શાસ્ત્રાધારો પણ છે જ.
➢ આવશ્યક નિર્યુક્તિમાં દશ સામાચારીના અધિકારમાં સંવિગ્ન-ગીતાર્થના
વચનને નિર્વિકલ્પે (બુદ્ધિની કસોટીએ ચડાવ્યા વિના) તહત્તિ કરવાનું વિધાન
છે. તેવું ન કરનારને મિથ્યાત્વ દોષની આપત્તિ આપી છે. દૃષ્ટિરાગ,
મિથ્યાત્વનો જનક છે – એ તો આપણે જાણીએ જ છીએ.
➢ કમ્મપયડીની ટીકામાં, એક આજ્ઞાને પણ ન સ્વીકારનારનો બાકીની આજ્ઞાનો
સ્વીકાર પણ શ્રદ્ધારૂપ નથી – એવું જણાવ્યું છે.
તેનો પરમાર્થ એ જ સંભવે છે કે જેટલી આજ્ઞા સ્વીકારી છે, તે બુદ્ધિમાં બેઠી –
તેથી જ સ્વીકારી છે. એટલે જ જે આજ્ઞા બુદ્ધિમાં ન બેસી – તેનો અસ્વીકાર થયો છે.
એટલે નિર્ણય એવો થાય કે જયાં પણ એવો આગ્રહ હોય કે ‘મને સમજાય તો જ,
તેટલું જ સ્વીકારવું’ – એ દૃષ્ટિરાગ જ છે. પછી સાચી વાત સાચી સમજાઈ હોવાથી
સ્વીકારે, તો પણ તે શ્રદ્ધા નથી.
જ્યાં એવી પરિણતિ આત્મસાત્ થાય, કે ‘ગીતાર્થોની બુદ્ધિ-અનુભવ વગેરે
વિશાળ છે.. મારી ટૂંકી બુદ્ધિ વગેરેથી તેમનાં વચનો ન સમજાય તે, મારી બુદ્ધિનો
વાંક છે.. પણ વાત તો તેમની જ સાચી છે.’ તે શ્રદ્ધા છે. તે જ દૃષ્ટિરાગથી મુક્ત
કરે છે, પ્રજ્ઞાપનીયતા લાવે છે.
માર્ગાનુસારી જીવ, દ્રવ્યથી જિનશાસન ન પામ્યો હોય તો પણ ગાઢ દૃષ્ટિરાગથી
મુક્ત થયો હોવાથી પ્રજ્ઞાપનીય બને છે, અને તેથી કાળક્રમે જિનશાસન પામે છે.
અભવ્ય કે ભારેકર્મી જીવો દ્રવ્યથી જિનશાસન પામ્યા હોય તો પણ આ દૃષ્ટિરાગના
કારણે શ્રદ્ધાના સ્તર સુધી પહોંચી શકતા નથી, અને તેથી મળેલું જિનશાસન સાર્થક
કરી શકતા નથી.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments