અસદ્ગ્રહ...
- Feb 24
- 3 min read
Updated: Mar 18

આ શબ્દના બે અર્થ સંભવે છે 🡺
અસદ્ એવો ગ્રહ.
અસત્ પદાર્થનો ગ્રહ.
૧. અસદ્ એવો ગ્રહ
અહીં પહેલો પ્રશ્ન થાય કે સદ્ એવો ગ્રહ હોય ખરા ?
તેનો જવાબ છે – હા.
a. જે સ્વયં જ્ઞાની છે, તેને જ્ઞાનબળે નિર્ણીત થયેલા પદાર્થ માટે ‘આ જ સત્ય છે’ એવો ગ્રહ હોય જ. (ન હોય, તો પદાર્થ સંદિગ્ધ જ રહે.)
એવું માનવામાં અનેકાંતવાદ ખંડિત થતો નથી. અનેકાંતવાદ એટલું જ જણાવે છે કે દરેક વસ્તુમાં દરેક ધર્મ કોઇક અપેક્ષાએ રહેલો હોય છે. તેથી વિપરીત અપેક્ષાએ, વિરુદ્ધ ધર્મ પણ હોઇ શકે. એક અપેક્ષાએ તો એક જ ધર્મ હોય – તેવો એકાંત, અનેકાંતવાદમાં માન્ય જ છે.
દાર્શનિક ગ્રંથોમાં આ વાત સ્પષ્ટ કરેલી છે.
b. જે સ્વયં જ્ઞાની નથી, તેને જ્ઞાની ગુરુ-પરંપરાથી મળેલા પદાર્થ માટે ‘આ જ સત્ય છે’ એવો ગ્રહ હોય જ, અને હોવો જ જોઇએ.
જો એવું ન હોય, તો બીજાઓ દ્વારા કુતર્ક વગેરે થતાં તેઓ મૂંઝાઇ જાય – ભોળવાઇ જાય.
સ્વયં જ્ઞાની એવા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ કે સિદ્ધસેન દિવાકરસૂરિ મ. ને, ગુરુ-પરંપરાથી મળેલ અર્થનો ગ્રહ, અસદ્ નથી – એવું મહો. યશોવિ. મ. એ ધર્મપરીક્ષામાં કહ્યું છે જ.
એટલે સદ્ એવો રહ હોય તો ખરા જ.
તો અસદ્ એવો ગ્રહ કોને કહેવાય ?
જ્યાં પોતાની બુદ્ધિ સર્વોપરી હોવાનો.. તેનાથી થયેલ નિર્ણયને જ સત્ય માની લેવાનો.. આગ્રહ હોય – તે અસદ્ છે.
ત્યાં પદાર્થ કદાચ સત્ય હોય, તો પણ ગ્રહ અસદ્ છે, કારણકે સ્વમતિનિર્ણીત પદાર્થનો ગ્રહ છે.
જે બે પ્રકારના સદ્ ગ્રહ બતાવ્યા, ત્યાં 🡺
a. પહેલા પ્રકારમાં સ્વયં જ્ઞાની હોવાથી ગ્રહ છે, સાથે બીજા જ્ઞાનીઓ પ્રત્યે આદર પણ હોય. એટલે બીજા જ્ઞાનીઓ જુદું કહે, તો તેના પર પરિપક્વ વિચાર કરવાની તૈયારી હોય. વિચાર કરતાં તેમની વાત સાચી લાગે, તો પોતાની વાત છોડવાની તૈયારી હોય. નિર્ણય ન થાય, તો ‘તત્ત્વ કેવલિગમ્ય’ માને. વિચાર પછી પણ પોતાની વાત સાચી હોવાનો જ નિર્ણય થાય, તો ત્રીજા જ્ઞાનીને પૂછે.
આમ, પોતાની વાત સાચી જ હોવાનો ગ્રહ હોવા છતાં તે અસદ્ નથી; કારણકે જ્ઞાનીની વાત માનવા રૂપ પ્રજ્ઞાપનીયતા છે.
b. બીજા પ્રકારમાં તો સ્પષ્ટ રીતે જ્ઞાનીની પરતંત્રતા હોવાથી અસદ્ગ્રહ નથી. પોતાના જ વર્તમાન જ્ઞાની વડીલો જુદી વાત કરે, તો તેને સ્વીકારી લે.
ગુરુ-પરંપરાથી આવેલી વાત, સકલ સંઘ કરતાં જુદી પડતી હોય, તો પણ તેને છોડી દે. આ રીતે જ્ઞાનીથી પ્રજ્ઞાપનીય હોવાથી ગ્રહ અસદ્ નથી.
સાર એટલો જ છે કે જ્યાં જ્ઞાનીની પરતંત્રતા, જ્ઞાનીના વચન પર આદર છે, ત્યાં અસદ્ એવો ગ્રહ નથી.
જ્યાં પોતાની બુદ્ધિ સર્વોપરી લાગે છે, ત્યાં ગ્રહ અસદ્ છે. એ જ દૃષ્ટિરાગ છે, એ જ મિથ્યાત્વ છે. સમકિતીને અસદ્ એવો ગ્રહ કદી ન હોય.
ષોડશકમાં શ્રુતજ્ઞાનીને, મતપક્ષપાત બતાવ્યો છે, મિથ્યાભિનિવેશનો નિષેધ કર્યો છે.
૨. અસત્ પદાર્થનો ગ્રહ
હકીકતમાં ખોટા પદાર્થ માટે, ‘આ સત્ય છે’ એવો આગ્રહ આવી જાય, તે અસત્ પદાર્થનો ગ્રહ છે.
અસત્ પદાર્થનો ગ્રહ અસદ્ ન હોય – તેવું બની શકે છે.
a. સ્વયં અજ્ઞાની હોય, જ્ઞાની-ગુણવાન્ ગુરુ પાસેથી જે પદાર્થ મળ્યો હોય, તે અસત્ હોય; તો પણ તેનો ગ્રહ અસદ્ નથી.
અહીં ધ્યાનમાં રાખવાનું છે કે ગુરુ ગીતાર્થ હોવા જરૂરી છે.
આમાં પ્રશ્ન એ થાય કે ઉત્કૃષ્ટ ગીતાર્થ તો કેવલી કે ચૌદ પૂર્વી જ છે. બાકી બધામાં આંશિક ગીતાર્થતા જ હોય છે, આંશિક અગીતાર્થતા-અજ્ઞાન પણ હોય જ છે. તો તેમના કોઇપણ વચનનો ગ્રહ, તે અગીતાર્થના વચનનો ગ્રહ જ ગણાય ને ?
તેનો જવાબ એ છે કે જે પોતાની ગીતાર્થતાની મર્યાદા જાણતા હોય, અને તે મર્યાદાની અંદર રહીને જ કહેતા હોય (અર્થાત્ જે વિષયમાં પોતાનું અજ્ઞાન હોય, ત્યાં અજ્ઞાન કબૂલ કરતા હોય), તેના વચનનો ગ્રહ અસદ્ નથી બનતો.
પણ, ગુરુની અગીતાર્થતા જાણવા છતાં.. તેઓ પોતાની ગીતાર્થતાની મર્યાદા ઓળંગીને બોલી રહ્યા છે – અનાભોગાદિથી બોલી રહ્યા છે – તેવું જાણવા છતાં.. તેમના વચનને પકડી રાખે, તો તે ગ્રહ અસદ્ બની જાય, (જો કે આવો નિર્ણય કરવા માટે શિષ્ય સ્વયં ગીતાર્થ હોવો જરૂરી છે.) કારણકે તે દૃષ્ટિરાગ(કે સ્નેહરાગ)ના કારણે ઊભો થયો છે.
જે વિષયમાં ગુરુની અગીતાર્થતા કે અનાભોગાદિ જણાયા નથી, છતાં ગુરુએ તેવા દોષને કારણે અસત્ પદાર્થ કહ્યો છે, તેનો ગ્રહ તે અસત્ પદાર્થનો ગ્રહ છે, અસદ્ એવો ગ્રહ નહીં.
b. જ્ઞાનીએ પુખ્ત વિચાર કરીને નિર્ણય કર્યો હોય, છતાં છદ્મસ્થતાના કારણે પદાર્થ અસત્ હોય.. અને તેનો ગ્રહ હોય, તો તે અસત્ પદાર્થનો ગ્રહ છે.
ત્યાં, વિશિષ્ટ જ્ઞાની કહે, તો બદલવાની તૈયારી હોય, બીજા જ્ઞાની પ્રત્યે આદર હોય.. તો તે ગ્રહ અસદ્ નથી..
મહત્ત્વની વાત એ છે કે શાસ્ત્રમાં અસદ્ ગ્રહ શબ્દ આવે, ત્યારે તેનો કયો અર્થ અભિપ્રેત છે ? તે સમજવું જરૂરી છે.
મોટે ભાગે અસદ્ એવો ગ્રહ – એવો અર્થ અભિપ્રેત હોય છે, જે કદાગ્રહ રૂપ છે. મિથ્યાત્વનું કાર્ય (કે કારણ અથવા સ્વરૂપ) છે.
અસત્ પદાર્થનો ગ્રહ – એવો અર્થ ક્વચિત્ જ વિવક્ષિત હોય છે, જેમ કે સમકિતીને અનાભોગાદિથી તેવો ગ્રહ હોય છે – તેવું કહ્યું છે.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




અઘરું લાગે છે
તત્ત્વ બહુ સરળતાથી સમજાવ્યું છે.
અમારી માટે સદ્દ ગ્રહણ બને તેવી અભિલાષા