કર્તૃત્વભાવ-અકર્તૃત્વભાવ
- Shraman Books
- Aug 5
- 1 min read
Updated: Aug 30

કષાયમાં કારણ આત્માનો પુરુષાર્થ પણ છે, કર્મનો ઉદય પણ છે.
આપણને કષાય થાય, ત્યારે આપણી જાતને કારણ માનીએ, તો કષાયને ઘટાડવાનો પુરુષાર્થ થાય, જે આત્માને હિતકર બને.
કર્મના ઉદયને કારણ માનીએ, તો તો પછી કશું કરવાનું જ ન રહે, અને કષાય વધતો જ જાય; જે આત્માને અહિતકર બને.
એટલે, આપણને કષાય થાય, ત્યારે આત્માની કારણતા પ્રધાન કરવાની.
બીજાને કષાય થાય, ત્યારે જો તેના આત્માને કારણ માનીએ, તો તેના પર દુર્ભાવ થાય, જે આપણા આત્માને અહિતકર બને. જો તેના કર્મને કારણ માનીએ (सव्वे जीवा कम्मवस...), તો તેના પરના દુર્ભાવથી બચાય, જે આપણા આત્માને હિતકર બને.
એટલે, બીજાને કષાય થાય, ત્યારે કર્મને કારણ માનવાનું.
આ જિનશાસનનો સ્યાદ્વાદ છે. જે નય પકડવાથી આત્માનું હિત થતું હોય, તે પકડવાનો. અલબત્ત, સમજણ એ સ્પષ્ટ હોવી જોઇએ કે આ નય છે – એક એંગલ છે; વાસ્તવિક પદાર્થ જુદો છે.
હકીકતમાં તો કર્મનું કારણ આપણે પોતે જ છીએ, કારણકે આપણે જ તે બાંધ્યા હોય છે. એટલે, કર્મને કારણ માનો, તો પણ પરંપરાએ આપણે જ કારણ છીએ.
ધર્મના ક્ષેત્રે આપણી પ્રગતિ થાય, તેનો યશ દેવ-ગુરુને આપવાનો હોય છે.
એકાંતવાદીઓ-અતિરેકવાદીઓ, ધર્મના ક્ષેત્રમાં નિમિત્તને અકિંચિત્કર માનીને માત્ર ઉપાદાનને (પોતાની જાતને) જ પ્રધાન કરે છે.
પાપપ્રવૃત્તિના કારણ તરીકે આપણી જાતને માનીને સુધારવાની હોય છે.
ત્યાં એકાંતવાદીઓ કર્મરૂપી નિમિત્તને જ આગળ કરે છે.
છે ને શીર્ષાસન !
પ્રભુના શાસનથી જે દૂર થાય, તેનામાં આવા ગોટાળા થવાના જ છે.
Extract from Book Adhyatma-Yatra written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Fantastic