આરાધના કોને કહેવાય ?
- Shraman Books
- Aug 5
- 1 min read
Updated: Aug 30

કોઈપણ વસ્તુની વ્યાખ્યા ત્રણ રીતે થાય – હેતુ, સ્વરૂપ અને ફળથી.
દવા કોને કહેવાય ?
‘રોગ મટાડે, એ દવા’ – આ ફળથી વ્યાખ્યા છે. ‘ટીકડી વગેરે દવા’ – આ સ્વરૂપથી વ્યાખ્યા છે. પ્રધાન વ્યાખ્યા ફળથી જ થાય છે.
સ્વરૂપ હોવા છતાં, જો તેનું કામ ન કરે, તો તે ‘નામની’ વસ્તુ કહેવાય છે.
ટીકડી લેવા છતાં રોગ ન મટે, તો એમ જ કહેવાય કે ‘નામની દવા છે, બાકી કંઈ કામની નથી.’
ડિગ્રીથી ડોક્ટર હોવા છતાં કોઈને સાજો ન કરી શકતો હોય, તો એમ જ કહેવાય કે ‘નામનો ડોક્ટર છે.’
સામાયિક, પ્રતિક્રમણ વગેરેને આરાધના કહેવી – તે સ્વરૂપથી વ્યાખ્યા છે.
જે રાગ-દ્વેષને ઘટાડે, તેને આરાધના કહેવી – તે ફળથી વ્યાખ્યા છે.
જો રાગ-દ્વેષ ન ઘટે, તો સામાયિક-પ્રતિક્રમણ વગેરે નામની આરાધના કહેવાય.
આરાધનાનું ફળ – રાગ-દ્વેષનો ઘટાડો જો ન હોય, તો તે સાચી આરાધના બનતી નથી
જો કે, ભગવાને જે આરાધના બતાવી છે, તેનાથી જ આપણા રાગ-દ્વેષ ઘટવાના છે, તેના વિના કોઈનાથી ઘટવાના નથી.
પણ જેને તમે આરાધના માનીને કરો છો... જેને દુનિયા આરાધના કહે છે... જેના કારણે તમે તમારી જાતને આરાધક માનો છો, અથવા દુનિયા તમને આરાધક માને છે... તે બધું જ વ્યવહારથી આરાધના છે.
પણ જો તેનાથી તમારા રાગ-દ્વેષ ન ઘટે, તો તે નિશ્ચયથી આરાધના નથી.
Extract from Book Adhyatma-Yatra written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments