સુખ કે દુઃખ મનને બંધાયેલા છે, સામગ્રીને નહીં…
- Shraman Books
- 5 days ago
- 1 min read
Updated: 3 days ago

અહીંથી ઘાટકોપરનો અમારો વિહાર હોય...
કોઇકે કહ્યું હોય ૧૦ કિ.મી. છે. ૧૦ કિ.મી. ચાલવા છતાં ઘાટકોપર ન આવે.
અમને સમયના આધારે ખ્યાલ આવી જાય, કે કેટલા કિ.મી. ચાલ્યા. રસ્તો સારો હોય, સીધો હોય, ક્યાંય પૂછવાનું ન હોય, તો હું કલાકના ૬ કિ.મી. ચાલતો હોઉં છું. ૧૦૦ મિનિટ થાય, એટલે ખબર પડી જાય કે ૧૦ કિ.મી. થયા. છતાં ઘાટકોપર ન આવે... પહોંચતાં બે કલાક ઉપર થાય... ખબર પડે કે ૧૨-૧૩ કિ.મી. થયા. તો શું થાય ?
સભા : જેણે ૧૦ કિ.મી. કહ્યું હોય તેના પર ગુસ્સો આવે.
તે પછીની વાત છે. મૂળ વાત એ છે કે - ‘આજે બહુ લાંબુ હતું’ એવો ઉદ્વેગ થાય.
આમાં સ્હેજ જુદી કલ્પના કરો. કોઇએ કહ્યું હોય – ઘાટકોપર ૧૫ કિ.મી. છે. એટલી ગણતરીથી નીકળ્યા હોઇએ... અઢી કલાક તો લાગશે જ – એવું ધારી લીધું હોય... અને બે કલાકમાં ઘાટકોપર આવી જાય... ૧૨ કિ.મી. જ નીકળે... તો શું થાય ?
‘આજે તો વહેલા આવી ગયા’ એવી હાશ થાય…
કિલોમીટર તો ૧૨ ના ૧૨ જ રહ્યા છે. નથી વધ્યા કે નથી ઘટ્યા.
પણ, ૧૦ કિ.મી.ની ગણતરીએ નીકળ્યા હોઇએ, તો ઉદ્વેગ થાય.
૧૫ કિ.મી.ની ગણતરીએ નીકળ્યા હોઇએ, તો હાશ થાય.
એ બતાવે છે કે ઉદ્વેગ-હાશનો સંબંધ કિલોમીટર સાથે નથી, મનની ગણતરી સાથે છે.
એ જ વાત પરમાત્મા કરે છે –
સુખ કે દુઃખ, સામગ્રીને બંધાયેલા નથી, તારા મનને બંધાયેલા છે.
Extract from Book Sukh Kyan ? written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
Comments